“મહેર બેટા, તારે શું કામ લગ્ન નથી કરવા એ તો કહે? રણધીર આટલો સરસ છોકરો તો છે, ભણેલો છે, દેખાવડો છે, તમે જે કહો એવો મોડર્ન ખ્યાલનો છે તો પછી શું તકલીફ છે?” નમ્રતાબહેનએ પૂછ્યું.
“મમ્મી, પણ હું એને પ્રેમ નથી કરતી. મારે લવ મેરેજ કરવા છે અને મને કોઈ છોકરા નથી ગમતા.” મહેરએ વળતો જવાબ આપ્યો.
“હે રામ, આ છોકરીનું શું કરવું? તારા પપ્પા સાંભળી જશે ને આ લવ નું તો તારા ને મારા બન્નેના કટકા કરી નાંખશે.”
“ભલે, હું કાઇ કોઇથી ડરતી નથી.”
“તો તું કોઈ ને કરે છે પ્રેમ?”
મહેર આ સવાલ આવતા વિચારમાં ખોવાઈ ગઈ, મહેર પ્રેમ તો કરતી હતી પણ તેનો પ્રેમ અકલ્પ્ય હતો, ખાસ એ જે પરિવાર અને
વિચારોમાંથી આવતી હતી તે જોતાં તો મહેરનો પ્રેમ ખરેખર ફક્ત કલ્પનામાં જ થઈ શકે.
“એલી એ છોકરી, મે કાઈક પૂછ્યું તને કયા ખોવાયેલી છે?”
“ના ના મમ્મી એવું કાઇ નથી.”
“જો મહેર આજે તારા પપ્પાને પાક્કો જવાબ આપવાનો છે, રણધીરના પપ્પાને આજે જવાબ આપવાનો છે.”
“મમ્મી, પણ હું કેમ હા કહું? મારી જીંદગી પર મારો કોઈ હક છે કે નહીં?”
મહેરના પપ્પા આ વાત સાંભળી ગયા એ તરત અંદર આવ્યા અને મહેરના આ સવાલનો સણસણતો જવાબ આપ્યો, “બેટા, નસીબદાર છો કે આટલી જીંદગી જ જીવો છો ને એમાં હું કે તારા મમ્મી વચ્ચે આવતા નથી બાકી જોઈ લો આપણાં પરિવારમાં છોકરીને આટલી છૂટ આપવામાં જ નથી આવતી.”
“પપ્પા, મને રણધીર સારો લાગે છે, એ ખરાબ પણ નથી પણ હું એને પ્રેમ નથી કરતી.”
“તો તારી મમ્મીને પણ હું પેલા પ્રેમ નહોતો કરતો, હવે લગ્નને ૨૬ વર્ષ થયા અને એકબીજાને પ્રેમ કરીએ છીએ. પ્રેમ લગ્ન પછી પણ થઈ શકે છે.”
“હું એવા કોઈ લગ્ન કરવા નથી માંગતી.”
“તો બેટા હવે તારું આમાં હું કાઇ માની નહીં શકું. નમ્રતા મને રણધીરના પપ્પાને ફોન લગાવીને આપ, હું એમને કહી દઉં છું કે કાલે જ એ લોકો ગોળધાણા કરી જાય.”
“પપ્પા, આવી બળજબરી ના કરો આનું પરિણામ બહુ ખરાબ આવશે.”
“શું કરી લઇશ? આત્મહત્યા? જા કરી લે તેવડ હોય તો કરી લે એ પણ. લગ્ન તો તારા રણધીર સાથે જ થશે.”
“ના આત્મહત્યા કરી લઉં એવી હું છોકરી નથી. બોલાવી લો રણધીરને કાલે જ મારી સગાઈ અને પરમદિવસે જ લગ્ન કહી દો એમને જાવ.”
“વાહ, માની ગઈ ને જોયું નમ્રતા એમ તો મારી દીકરી સમજદાર છે.”
મહેર મનમાં વિચારે છે, “હું અહી રહીશ તો કરશો ને મારી સગાઈ કે લગ્ન, પપ્પા માફ કરજો પણ મારો પ્રેમ કોઈ સમજી શકે એમ નથી, ના આ સમાજ પણ મારા એ પ્રેમને માન્ય ગણશે છતાં હું મારા એ પ્રેમ પર વિશ્વાસ રાખીને તમને બધાને છોડીને જતી રહીશ, આશા છે કે એક દિવસ તો એવો આવશે જ કે તમે અમારા પ્રેમને સમજશો.”
બીજા દિવસે..
“મહેરના પપ્પા, મહેરની ચિટ્ઠી.”
“મહેર ક્યા છે?”
“ભાગી ગઈ છે.”
“કોની સાથે?”
“એકલાં.”
“હે.. શું ગાંડા જેવી વાત કરે છે?”
“હા વાંચો એની ચિટ્ઠી.”
મારા ખડૂસ પણ વાલા પપ્પા,
હું મીરાને મારા એન. સી. સી કેમ્પ અમદાવાદમાં મળી હતી, મીરા અમદાવાદની જ છે. એના પપ્પા એક સી. એ છે. મીરા અને હું એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ, હા આજે હું તમારા બધા સામે આ ચિટ્ઠીના માધ્યમથી કહેવા માગું છું કે હું લેસ્બિયન એટલે કે સમલૈંગિક છું. મને છોકરા નહીં છોકરી ગમે છે. મીરા જ મારા માટે મારી દુનિયા છે, એ પણ મને ખૂબ પ્રેમ કરે છે, તેના પપ્પાએ તો અમારો સંબંધ સ્વીકારી લીધો છે કારણ કે એ જાણે છે કે પ્રેમમાં કોઈ શરત ના હોય કે જાતી ના હોય. વધુ એક જટકો તમને આજે આપું છું ત્રણ મહિના પહેલા જે હું જીદ કરીને અમદાવાદ ગઈ હતી એ હું મીરા સાથે લગ્ન કરવા માટે કોર્ટમાં અમારા કાયદાકીય લગ્ન માટે ગઈ હતી. હા, હું વિવાહિત છું, મારા લગ્ન ત્રણ મહિના પહેલા જ મીરા સાથે થઈ ચૂક્યા છે. તમારો ગુસ્સો અને આપણાં એ નાના શહેરોના વિચારોથી ડરીને મે આ પગલું લીધું છે, મને ખબર છે કે હવે જે હું કરવા જઈ રહી છું એમાં કદાચ તમે મને મારી નાખશો છતાં પણ કહું છું. આવતીકાલે મારા અને મીરાના હિન્દુપરંપરા મુજબ લગ્ન છે, જો તમે અને મમ્મી મારુ કન્યાદાન કરવા માટે આવશો તો મને ખૂબ ગમશે.
પપ્પા, આ મહેર છે જે એક છોકરીને પ્રેમ કરે છે. તમે મારા હીરો છો હું હમેશાં તમને આ કહેવા માંગતી હતી પણ એક તમારો ડર હતો તો ક્યારેય કહી ના શકી કે હું સમલૈંગિક છું. પપ્પા, હવે તો સરકારે પણ અમારા પ્રેમને કાયદાકીય સાચો જ કહ્યો છે, સુપ્રીમ કોર્ટએ પણ મંજૂરી આપી છે. હું તમને બે હાથ જોડીને કહું છું મને સમજવાની કોશિશ કરો, મારા પ્રેમને સમજવાની કોશિશ કરો. તમે હમેશાં મારુ સારું જ ઈચ્છો છો પણ પપ્પા રણધીર સાથે કદાચ લગ્ન કરીને હું જીવી ના શકેત. મારી જીંદગી મીરા છે, મમ્મીને પણ કહેજો એની નાલાયકને એક વાર લાયક સમજવાની કોશિશ કરે.
અંતે એટલું જ કહીશ પપ્પા કે ખુશ રહેવાનો અધિકાર દરેક ને છે તો પછી એ મને કેમ નહીં? મારા માટે તમને આમ અપમાનિત કરવાનો કોઈ ઇરાદો નથી, તમે સમાજનું વિચારશો પણ પપ્પા આ એ જ સમાજ છે જે કોઈ નો નથી થયો. એ લોકો બે દિવસ વાતો કરશે અને તમે જો એ બે દિવસની વાતો માટે તમારી દીકરીની આખી જીંદગી ખરાબ કરો તો એ ક્યાંનો ન્યાય કહેવાય?
તમારા આશીર્વાદ અને કન્યાદાનની રાહમાં.
તમારી મહેર.
ચિટ્ઠી વાંચી મહેરના પપ્પા ખૂબ ગુસ્સે થયા અને બોલ્યા,
“નમ્રતા, સામાન પેક કર અને ચાલ અમદાવાદ. તારી નાલાયક છોકરી સાથે છેડૉ ફાડવા જવું જ પડશે.”
“બેબી, કેમ આટલી ટેન્શનમાં છે? આજે આપણાં વિધિવત લગ્ન છે તું કેમ ઉદાસ છે?” મીરાએ કહ્યું.
“મીરા, મમ્મી પપ્પા આવશે કે નહીં એ વિચારું છું.”
“આપણો પ્રેમ સાચો છે એ સમજશે અને આવશે જ. ચાલ હવે તૈયાર થઈ જા મારી બ્યુટીફુલ દુલ્હન.”
“હા.”
બન્ને દુલ્હનના કપડાંમાં મંડપમાં આવે છે, મિડિયા પણ ખૂબ આવ્યું છે કારણ કે એ ગુજરાતનાં પહેલા સમલૈંગિક લગ્ન હતા. બન્ને એ
એકબીજાને હાર પહેરાવ્યો અને મંડપમાં આવ્યા, પંડિતજી એ કહ્યું, કન્યાદાન કોણ કરશે?”
મહેરએ મીરાની સામે જોયું કારણ કે હજી મહેરના મમ્મી પપ્પા આવ્યા ના હતા.
“પંડિતજી હું કરીશ.” મીરાના પપ્પા એ કહ્યું.
“એક મિનિટ સી. એ સાહેબ, કન્યાદાન કોઈ નહીં કરે.” મહેરના પપ્પા એ મંડપ તરફ આવતા આવતા કહ્યું.
મહેર ડરી ગઈ પણ મીરાએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, “ડર નહીં, કાઈ નહીં થાય.”
“મહેર, તારી આટલી હિંમત કે તું મારી ખિલાફ ગઈ અને આવો એક ઓછો સંબધ બાંધ્યો અને લગ્ન પણ કરવા બેઠી ગઈ.”
“પપ્પા..”
“ચૂપ એકદમ ચૂપ, તું સમજે છે શું કે તું આવી લાગણીવશ થઈને ચિટ્ઠી લખીશ તો તારો બાપ માની જશે એમ?”
“પપ્પા..”
“ફરી બોલી, કહ્યું ને એકદમ ચૂપ.”
બધા એ દ્રશ્ય જોઈ ડરી ગયા કે મહેરને આજે જીવતી નહીં મૂકે.
“બેટા, તારો બાપ છું, એકવાર વાત તો કરી હોત મને સમજાવાની કોશિશ તો કરી હોત, મારી એકની એક દીકરી છો તું. તારાથી વિશેષ મારે બીજું કાઇ જ નથી. હા તારો આ પ્રેમ અકલ્પ્ય છે પણ તે હમેશાં બધા જ કામ અકલ્પ્ય જ કર્યા છે ને તો લગ્ન પણ એવા જ કરવાની હતી. પંડિતજી મંત્રોચ્ચાર કરો શરૂ, મહેરના માતા – પિતા જ એનું કન્યાદાન કરશે.”
મહેર દોડીને એના પપ્પાને ભેટી પડી અને તેના પપ્પા એનો હાથ પકડી એને મંડપમાં બેસાડી અને તેનું કન્યાદાન કર્યું અને આ અકલ્પ્ય પ્રેમને હકીકત બનાવી દીધો.
સુનિલ ગોહિલ “માસ્તર”