આગળના બે ભાગમા આપણે જોયુ કે કેવી રીતે અમેરિકન યુવતી (ક્રિસ) અને લેખક અઘોરીની જાળમા ફસાય છે. અઘોરી એ બન્નેને એક ગુફામા લઇ જાય છે.
હવે વાંચો આગળ…..
હુ સ્વસ્થતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા લાગ્યો. ‘ લૂંટાયા પછી ભો શો ? આગે આગે ગોરખ જાગે ‘ એવા બધા વિચારોથી મનને આશ્વાસન આપવા લાગ્યો.
મેં રીંછનું વજનદાર ચામડું પાથર્યું. તેના ઉપર ફાટેલા ગોદડાને ખંખેરીને પાથર્યું , હું અને ક્રિસ બન્ને પાસે પાસે તેના ઉપર બેઠાં. ક્રિસ જાણે કોઈ સંગ્રહસ્થાન અથવા ખજૂરાહોની ગુફા જોવા આવી હોય તેમ ચારે તરફ જોઈ રહી હતી.
અઘોરીએ પોતાના આસન ઉપર બેસી સામે ટાંગેલી મોટી ઝોળીમાંથી ખપ્પર બહાર કાઢ્યું. તેણે માથા ઉપર એક ખપ્પર ઢાંક્યું હતું તે ઉતારીને બાજુમાં મૂક્યું. એક લાલ રંગની પામરી જેવી ઓઢણી તેણે માથા ઉપર બાંધી. તેનો એક છેડો લટકતો રાખ્યો. ઝોળીમાંથી કાઢેલા ખપ્પરને હાથમાં લઈ કાંઈક હોઠ ફફડાવીને ફૂંક મારીને ઓઢણીનો છેડો ખપ્પર ઉપર ઢાંકી તરત ખસેડી લીધો.
આ કામગીરી એકાદ મિનિટમાં જ તેણે કરી લીધી.
ખપ્પર તેણે ક્રિસ સામે મૂક્યુ, તેમાં બેત્રણ પડિયા હતા જેમાં પૂરી , પેંડા , દહીં ભરેલાં હતાં.
ક્રિસને તેણે ખાઈ લેવા જણાવ્યું. ક્રિસ કાંઈ પણ ક્ષોભ વિના , મારા વિશે વિચાર્યા વિના , ખપ્પરમાંથી વસ્તુઓ લઈને ખાવા લાગી.
મારાં ભૂખ – તરસ અદૃશ્ય થઈ ગયાં હતાં. ગળું સુકાતું હતું. મેં બેઠાં બેઠાં જ આજુબાજુમાં નજર ફેરવી. મારી પાછળ બે નાની હાંડી અને એક કાંઠો તૂટેલી માટલી પડી હતી. હાંડી ઉપર માટીનાં શકોરાં ઊંધાં ઢાંકેલાં હતાં. બાજુમાં સૂકાં લાકડાં પડ્યાં હતાં. તેની પાસે એક મોટો તબલ પડ્યો હતો. ( તબલ એટલે ફરસીના ઘાટનો મોટો ફરસો , જેના બને ખૂણા ગોળાકાર હોય છે. લાકડાં કાપવાના કામમાં મોટે ભાગે સાધુ લોકો વાપરતા હોય છે. ) મેં મનોમન આ તબલને આત્મરક્ષાના સાધન તરીકે વિચારી લીધું.
ક્રિસે જમી લીધું. એ દરમ્યાન અઘોરી તેના આસન પાસે પડેલા ડબલામાંથી તથા મોટી ઝોળીમાંથી તેલ , સિંદૂર , અડદ , કાળા તલ , કશાક પદાર્થનો ભૂકો – એવો સામાન ધૂણી પાસે મૂકવા લાગ્યો. બધું બરાબર ગોઠવી તેની ચકાસણી કરી લીધી. મારા મનમાં ભય અને શંકાઓ ઉત્પન્ન થવા લાગી. અઘોરીની આ તૈયારી જાણે બલિ આપવાની તૈયારી હોય તેમ મને જણાયું.
તેણે ક્રિસને બધાં વસ્ત્રો દૂર કરી સામે બેસવા આજ્ઞા કરી. ક્રિસ પોતાના બેડરૂમમાં વસ્ત્રો ઉતારતી હોય તેમ પેન્ટ – શર્ટ ઉતારી બાજુમાં મૂકી દીધા અને નગ્નાવસ્થામાં અઘોરીએ દશવિલ જગ્યા ઉપર બેસી ગઈ.
અઘોરીનો ચહેરો ગંભીર જણાતો હતો. તે ક્રિસની આંખોમાં આંખો પરોવી કશુંક મંત્રોચ્ચાર જેવું બોલી રહ્યો હતો. તેને જોઈ હું ભય, તિરસ્કારની તીવ્ર લાગણી સાથે શૂન્યમસ્તકે વિચારતો હતો કે, હમણાં આ અઘોરી ભયાનક રૂપ ધારણ કરી ક્રિસને તથા મને ખાઈ જશે અગર તો ખડગ લઈને બલિદાન ચડાવી દેશે. તેના ભયથી મારા અવયવો શિથિલ થઈ ઠંડા પડી ગયા હતા. જંગલની સ્મશાનવત્ શાંતિમાં પશુપક્ષીઓના અવાજો આ વાતાવરણને વધારે ભયાનક બનાવી રહ્યા હતા.
અઘોરીએ એક મૂઠીમાં હવિષ્યદ્રવ્ય રાખી ડાબા હાથમાં ખોપરી પકડી કાંઈક મંત્રો બોલી મોઢેથી જોરદાર શ્વાસ ખેંચી આહુતિ આપી. આહુતિ આપતાંની સાથે જ લીલા રંગની મોટી જવાળા પ્રકાશિત થઈ. ગુફામાં ક્ષણભર માટે લીલો પ્રકાશ પથરાઈને ધૂણીમાં જ સમાઈ ગયો.
હવે તેણે ક્રિસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે એક ઝીણા સફેદ દાણાની લાંબી માળા બે – ત્રણ આંટી કરીને પહેરી લીધી. અને ઊભા થઈને લંગોટી તથા લંગોટી ઉપર બાંધેલ કાળા કપડાની ભેટ છોડીને બાજુ પર મૂકી દીધી. પોતે દિગંબર (નિર્વસ્ત્ર) થઈને ધૂણી પાસે પોતાના આસન ઉપર ઊભા પગે ઉભડક બેઠો.
મારી સહનશક્તિની સીમા આવી ગઈ હતી. ભય ક્રોધમાં ફેરવાઈ ગયો હતો. મેં પાછળ પડેલ તબલને સરકાવી મારી બાજુમાં ખેંચી લીધો. મેં મનોમન નક્કી કર્યું કે બાવો ક્રિસ સાથે અયોગ્ય વર્તન કરે તો ભલે જે કાંઈ પરિણામ આવવું હોય તે આવે .. પણ તેને પહેલા ઘાએ પોંખી લેવો.
આ દ્રઢ નિશ્ચયથી મારું મનોબળ એકાગ્ર થયું. હુમલાની સંપૂર્ણ તૈયારી સાથે હવે શું થાય છે તે જોવા લાગ્યો.
અઘોરીએ ડાબા હાથ માંહેની ખોપરીમાંથી મંત્રોચ્ચાર કરી ક્રિસ ઉપર છંટકાવ કર્યો. ક્રિસનું શરીર આછી ધ્રુજારીથી ફરકવા લાગ્યું. અઘોરી સ્થિર નજરે ક્રિસને જોઈ રહ્યો હતો. ક્રિસ બંને હાથ ઊંચા કરી જુદી જુદી રીતે બે – ત્રણ વાર હલાવી પૂર્વવત્ બેસી ગઈ. આ પ્રમાણે કરવાનું કારણ , ક્રિસના શરીરમાં દાખલ કરેલ માધ્યમ દ્વારા અપાયેલો સંકેત હશે એમ જણાતું હતું.
અઘોરીએ પોતાની પાસે પડેલી સામગ્રી દ્વારા ક્રિસનું પૂજન કર્યું. ત્યાર બાદ ધૂણીમાં કાંઈક સુગંધી પદાર્થ નાખીને કાંઈક મિશ્ર પદાર્થ હાથમાં લઈને ક્રિસની યોનિ તરફ આહુતિમુદ્રાથી ત્રણ આહુતિ આપી. પોતાના બન્ને હાથ જોડી માથું જમીન પર ટેકવી પ્રણામ કર્યા. ફરી હવન- દ્રવ્ય હાથમાં લઈ ધૂણીમાં નાખતાં લીલો પ્રકાશ ફેલાઈને અદૃશ્ય થઈ ગયો. તેણે ક્રિસને ઊભા થઈ જવાની આજ્ઞા આપી.
ક્રિસ ઊભી થઈને પોતાના કપડાં પહેરી મારી પાસે આવીને બેઠી. મને હવે ક્રિસથી પણ ભય લાગવા માંડ્યો હતો.
અઘોરી ઊભો થઈ ઝોળી તથા ખોપરી બન્ને ખભા પર ટાંગી , લંગોટી બાંધીને બહાર ચાલ્યો ગયો. થોડી વાર તેની રાહ જોયા બાદ મેં ક્રિસ તરફ જોઈ તેને કહ્યું “તને શું થાય છે ? કેમ તું મને ઓળખતી નથી ? તું શું કરે છે ? શા માટે કરે છે ? એનું કાંઈ ભાન છે ? ” મેં મારું લગભગ બધું મનોબળ એકત્ર કરી વ્યગ્રતાથી તેને પ્રશ્નો પૂછી નાખ્યા.
તે ઘડીભર શાંત બેસી રહી. તેની ચુપકીદી મારા માટે કોયડો બની ગઈ હતી. થોડી વારે તેણે મારી સામે જોયું. હું તેની આંખોમાં મારા પ્રશ્નોના ઉત્તર શોધી રહ્યો હતો. જાણે અર્ધમૂર્છાવસ્થામાં જ તેણે જવાબ આપ્યો : “ કાંઈ યાદ નથી. ઊંઘ આવે છે . ” આટલું બોલીને જાણે તૂટી પડતી હોય તેમ બેઠી હતી ત્યાં જ નિદ્રાવશ થઈ ગઈ.
એકાએક આવી પડેલા સંકટમાંથી શો માર્ગ કાઢવો તે સૂઝતું ન હતું. ક્ષણવાર માટે કુટુંબીઓ, બાળકો , મિત્રો , સૌનું સ્મરણ થતાં આંખો ભીની બની ગઈ. શું જીવનનો આ રીતે કરુણ અંત આવશે ? અહીં કોણ મદદે આવશે ? આ રીતે જોત જોતામાં જીવન – મૃત્યુનો વળાંક આવી જશે એવી કલ્પના પણ ન હતી.
અઘોરી કઈ ઘડીએ શું કરશે તે સમજી શકાય તેમ ન હતું. ગાઢ જંગલ , ચોમાસાનું ભયાનક વાતાવરણ , જુદાં જુદાં પ્રાણીઓના અવાજ , ભયાનક એકાંત , ક્રિસની માનસિક બેહોશી , આ બધાં કારણોથી મારી દયાજનક પરિસ્થિતિનો હું જ સાક્ષી હતો.
મેં ક્રિસ તરફ નજર કરી તે નિર્ભયતાથી શાંતપણે ઊંઘી રહી હતી. મેં ઊભા થઈને બે – ત્રણ લાકડાં ધૂણીમાં ગોઠવ્યાં. પ્રકાશ તથા ગરમી જળવાઈ રહે તે માટે સળગતાં લાકડાં સાથે નવાં લાકડાં વ્યવસ્થિત ગોઠવી જવાળા નીકળે તે જોતો રહ્યો. ક્રિસના પર્સમાંથી સિગારેટ કાઢીને સળગાવી. ઊંઘ આવતી હતી છતાં ભયના કારણે ઊંઘી શકાતું નહોતું. મેં ઘડિયાળ તરફ જોયું. અઢી વાગ્યા હતા.
એકાએક ક્રિસ કાંઈક બબડવા લાગી અને ચીસ પાડીને બેઠી થઈ ગઈ. ભયથી મારાં રૂવાં બેઠાં થઈ ગયાં. તે શું કરે છે તે જોવા માટે શાંત રહ્યો. તેણે આંખો ખોલી મારી સામે જોયું , આજુબાજુ જોયું. કાંઈક ક્ષોભ અને સંકોચના કારણે તે ઊભી થવા પ્રયત્ન કરતી હતી. પણ મેં ઊઠીને તરત તેને આશ્વાસન આપવાના વિચારે બેસી રહેવા જણાવ્યું. હું તેની પાસે બેઠો. તેની માનસિક અવસ્થા જાણવા તેને કુશળતાના સામાન્ય પ્રશ્નો પૂછવા લાગ્યો. મારા હાથમાંની સળગતી સિગારેટ પીવા જણાવ્યું.
તેણે સિગારેટ લઈને પીવા માંડી , મેં અનુમાન કર્યું : “કદાચ માનસ ઉપરની અસર ઓછી થઈ ગઈ લાગે છે. ”
તેણીએ કહ્યું : “હું જે કરું છું તે મને કાંઈ યાદ નથી આવતું પણ ઘણાં વર્ષો પહેલાં તમે કહો છો તેવું જોયું હોય એમ લાગે છે.
મેં તેની સ્મૃતિના અરીસાને વધુ સ્પષ્ટ કરવા કહ્યું : “અત્યારે તું જે વાતાવરણમાં છે તે વિશે વિચાર ! વર્ષોની વાત જવા દે. ” મારા શબ્દો તેને વધુ અકળાવતા હોય તેમ લાગ્યું. તે વ્યાકુળ ભાવે બધું જોઈ રહી હતી. મને એમ લાગતું હતું કે તે જાણે માનસિક સમતુલા જાળવવા મથી રહી હતી. પણ કોઈ અગમ્ય એવી શક્તિ તેને તેમ કરતાં રોકી રહી હતી.
હું ખૂબ જ ક્ષીણ થઈ ગયો હોઉં તેમ મને જણાતું હતું . માનસિક રીતે તાણ ભોગવીને થાકી ગયો હતો. ભૂખ , તરસ નિ:સહાય પણે સહન કર્યા સિવાય છૂટકો ને હતો. ક્રિસના હાવભાવ પરથી જણાતું હતું કે કાંઈક અંશે તે સ્વસ્થ થઈ છે. આ પ્રમાણે ભયગ્રસ્ત વાતાવરણમાંથી બચાવવા માટે આર્તનાદથી મનોમન ઈષ્ટદેવને પોકારી રહ્યો હતો.
આપત્તિ , કષ્ટ , ભયની પરાકાષ્ઠાનો અનુભવ થાય ત્યારે જ શરણાગતિ દ્વારા ઈશ્વરનું સ્મરણ સાચી રીતે થાય છે એ અનુભવસિદ્ધ હકીકત છે.
મેં અને ક્રિસે આ પ્રમાણે જ જાગતાં – ઊંઘતાં સવારના પાંચ વગાડ્યા. આખી રાત કોઈ પણ જાતના હાનિકારક પ્રસંગ વિના પસાર થઈ હોવાથી મનને કાંઈક અંશે સાંત્વન મળ્યું. સવારમાં આકાશની કિનારી પ્રકાશમય થવા લાગી.
અઘોરી આવતો હોય તેમ જણાયું. તેની ભુજામાં પહેરેલ તાંબાના કડા સાથે ખોપરી ભટકાવાથી આવતો અવાજ તેના આગમનનું સૂચન કરતો હતો. તેના આગમનનો વિચાર આવતાં જ શરીરમાં ભયની ધ્રુજારી ફરી વળી. ક્ષણે ક્ષણે હવે શું થશે ? – એ પ્રશ્ન પર્વતની કાળમીંઢ શિલા સમાન બનીને વિચારોની ગતિને અટકાવી દેતો હતો.
અઘોરીએ ઝૂંપડીમાં આવીને અમારી તરફ નજર કરી. એની નજર જાણે સળગાવી મૂકતી હોય તેમ મને જણાતી હતી. તે થોડી વાર ઊભો રહી ફરી બહાર ચાલ્યો ગયો. ધીમે ધીમે સૂર્યોદય થઈ રહ્યો હતો. પ્રકાશ ઝૂંપડીમાં આવતો હોવાથી ગુફામાં પણ અજવાળું થઈ રહ્યું હતું.
બે – ત્રણ ચાંદરડાં ઠેઠ ગુફાની અંદર પડતાં હતાં , જે આશાનાં કિરણ સમાં જાણે પ્રતીકરૂપ હતાં. ફક્ત કાલ્પનિક આશ્વાસન સિવાય નક્કર બચાવ કાંઈ જ જણાતો ન હતો. સારું એવું અજવાળું થતાં હું ઊભો થયો. ક્રિસ પણ મારી સાથે ઊઠી. બહારની તરફ ધીમી અને સાવચેત ગતિથી મેં ડગલાં માંડ્યાં. હું અને ક્રિસ ઉપર આવીને ઝૂંપડી બહાર નીકળ્યાં. મેં ચારે તરફ નજર ફેરવીને જોયું. વાતાવરણ સ્વચ્છ અને શાંત હતું. આકાશમાં થોડાંઘણાં વાદળો હતાં. ભય જાણે હંમેશને માટે મનમાં સ્થિર થઈ ગયેલો હોય તેમ લાગ્યા કરતું હતું. અઘોરી આસપાસ છે કે નહી તે જોવા માટે મેં લાંબે સુધી નજર દોડાવી. તેની હાજરી નહીં જણાતાં મનને થોડી રાહત થઈ. સાથે અહીં થી ભાગી છૂટવા માટેનો વિચાર પણ જાગ્રત થયો. કઈ દિશામાંથી આવ્યા હતા તે જોવા માટે મેં ચારે તરફ નજર ફેરવી , ઝૂંપડીથી ડાબી બાજુ ખુલ્લા મેદાન તરફથી અમે આવ્યાં હતાં તેમ જણાયું.
સહેજ દૂર આવેલા પથ્થરો દ્વારા બનેલા કુંડ જેવા ખાડા પાસે જઈને મેં મોં ધોયું. તરસના કારણે પાણી પીધું. ક્રિસે પણ હાથ – પગ – મોં ધોઈ પાણી પીધું. મને ભૂખ લાગી હોવાથી મેં આજુબાજુ જોયું. જમણી બાજુ ઢોળાવના ખાડામાં એક ગૂલરનું ઝાડ હતું. (ગૂલર એટલે ઉંબરો ) તેનાં પાકાં ગૂલર ખાવાનું વિચાર્યું. તે ખાડામાં સારા એવા પ્રમાણમાં નીચેના ભાગે ઊગેલું હતું. તેનો ઉપરનો ભાગ સીધો જ શિલાને અડીને છવાયેલો હતો. મેં સાવચેતીથી દસ – પંદર પાકાં ગૂલર લઈ લીધાં. મોંમાં મૂકતાં પહેલાં ક્ષણ વાર માટે અઘોરીની માયાનો વિચાર આવ્યો. પણ ભૂખ ખૂબ લાગી હોવાથી વધુ વાર વિચારી શકાય તેમ ન હતું. છ થી સાત ગૂલર હું ખાઈ ગયો બે – ત્રણ ક્રિસને આપ્યાં. તેણે પણ ખાધાં , ગૂલર ખાવાથી થોડી શાંતિ મળી.
(ક્રમશ:)
મોહનલાલ અગ્રવાલ
Related