હુ ચારે તરફ જોઈને નિરીક્ષણ કરી રહ્યો હતો. સાથે એ પણ વિચારી રહ્યો હતો કે કદાચ રસ્તો ન મળે તો કોઈ ઊંચું ઝાડ શોધી કાઢવું જેના ઉપર રાત્રિ પસાર થઈ શકે.
આવી ગડમથલમાં હતો ત્યાં જ સામેની ઝાડીમાંથી એક સ્ત્રી બહાર નીકળીને પસાર થતી જણાઈ. થોડે દૂર હોવાથી મેં જોરથી બૂમ પાડી તેને ઊભા રહેવા જણાવ્યું. તે બાઈ કઠિયારણ હોય તેવું લાગ્યું. મારવાડી વણજારાની વેશભૂષામાં તે જણાતી હતી. માથા પર નાની ભારી મૂકેલી હતી. એક હાથમાં નાની કુહાડી હતી. તેને જોઈને આનંદનો પાર ન રહ્યો. હું અને ક્રિસ લગભગ દોડતાં જ તેની પાસે પહોંચી ગયાં.
ત્યાં જઈને ફરી હું શંકામાં અટવાયો. અહીં જંગલમાં આ દેખાવડી યુવાન સ્ત્રી એકલી કઈ રીતે હોઈ શકે ? શું આ બીજી આપત્તિ છે કે ખરેખર કઠિયારણ બાઈ છે ?
મેં સાવચેતીપૂર્વક તેને પ્રશ્ન કર્યો : “ તમે આવા ગાઢ જંગલમાં લાકડાં વીણવા આવો છો કે તમારું આટલામાં જ રહેઠાણ છે ? “
તે ઘડીભર મારી સામે જોઈ રહી. તેણે સામો પ્રશ્ન કર્યો : “તમે અહીં શું ભૂલાં પડીને તો નથી આવી ગયાં ને ? “
મેં તેને ઉત્તર આપ્યો : “ હા , અમે ખરેખર રસ્તો ભૂલી જઈને અટવાઈ ગયાં છીએ. તમે રસ્તો બતાવો તો ખૂબ આભાર માનીશું. ”
તેણીએ અમારી સામે જોઈને પાછળ આવવા જણાવ્યું. હજુ મારી શંકા દૂર થતી ન હતી. હું તેની દરેક ચેષ્ટાનું ધ્યાનપૂર્વક અવલોકન કરી રહ્યો હતો. સાથે એ પણ વિચારતો હતો કે ‘ હોઈ હૈ વહી જો રામ રચી રાખા, કો કરી તરફ બઢાવૈ સાખા. ‘ પાછળ ચાલતાં ચાલતાં આશરે પંદર મિનિટ બાદ એક કાચા રસ્તા ઉપર અમે આવી ગયાં. ત્યાં તેણે અટકી જઈને જણાવ્યું કે આ રસ્તા ઉપર ચાલ્યાં જાઓ. આગળ જઈને ડાબી બાજુ વળી જશો ત્યાં ઢાળવાળો રસ્તો આવશે તે સીધો આબુ વિસ્તાર તરફ જાય છે.
મેં તેને સાથે આવવા માટે વિનંતી કરી પણ તેણે ઘેર જવાનું મોડું થશે એવું કારણ આપીને સાથે આવવાની અનિચ્છા દર્શાવી. મેં તેનો હ્રદયપૂર્વક આભાર માન્યો અને ખિસ્સામાંથી પર્સ કાઢીને તેમાં હતી એટલી બધી નોટો તેને આપવા હાથ લંબાવ્યો. તેણે પૈસા લેવાની ના પાડી.
મેં વિનંતીથી આગ્રહ કરીને પૈસા આપી દીધા.
આશરે અઢી – ત્રણનો સમય થઈ ચૂક્યો હતો. હું અને ક્રિસ ઝડપથી ચાલવા લાગ્યાં. કાચો રસ્તો આગળ જઈને ડાબી બાજુ વળતો હતો. ત્યાંથી ઢાળ ઊતરતાં જ આશરે અર્ધો કિલોમીટર દૂર આબુનો શહેરી વિસ્તાર દેખાવા લાગ્યો. શહેરી – વિસ્તાર જોઈને અમે બન્ને ખૂબ પ્રસન્ન થયાં. મેં ઈશ્વરનો ખૂબ આભાર માન્યો. શહેરી વિસ્તાર જોઈને ચાલવાની ઝડપ વધી ગઈ. થોડી જ વારમાં મ્યુનિસિપાલિટીની હદ પાસે આવી ગયાં. ત્યાં એક પહાડી નાળાના ઢોળાવમાં તબલનો આભાર માનીને નાળામાં છોડી દીધો.
ત્યાંથી પાકા રસ્તા ઉપર આવીને એક ખાનગી વાહનનો મદદ લઈને આબુ પહોંચ્યાં. પોલો ગ્રાઉન્ડ પાસે ઊતરીને ગવર્નમેન્ટ ગેસ્ટ હાઉસ પહોંચ્યાં. ક્રિસ ઝડપથી પોતાના રૂમ તરફ આગળ વધી. રૂમમાં જઈને તે મિસિસ એલનને વળગી પડી. એલને તેને સાંત્વન આપતાં બેસાડી. મારી તરફ શંકાભરી દૃષ્ટિથી જોઈને પછી ક્રિસને અસંખ્ય પ્રશ્નો પૂછવા લાગી. બન્નેની ઝડપી સવાલ – જવાબની ગતિ હું સાંભળી રહ્યો.
એ દરમ્યાન ક્રિસના કાકા મિસ્ટર વિલિયમ આવી પહોંચ્યા. મને તથા ક્રિસને જોઈ તેઓ આનંદ , આશ્ચર્ય , રોષ , શંકાના મિશ્રિત ભાવોથી ક્રિસ પાસે જઈને પ્રશ્નો પૂછવા લાગ્યા. એલને શાંતિ જાળવવા કહ્યું. ક્રિસે વિસ્તારપૂર્વક બધી જ વાત કહી સંભળાવી. તેની વાતમાં ખૂટતી કડીઓ હું જોડી આપતો હતો. મેં પણ સંપૂર્ણ બાબત મિસ્ટર વિલિયમને જણાવી. અમારાં કપડાં , દેખાવ એ જ અમારી સ્થિતિનો સાક્ષી હતાં. વિલિયમસાહેબે મારો ખૂબ આભાર માન્યો.
તેમણે મને જણાવ્યું કે , પોલીસ સ્ટેશનમાં ક્રિસ ખોવાઈ ગઈ છે એવી ફરિયાદ લખાવી આવ્યો છું તે રદ કરાવતો આવું ત્યાં સુધી તમે અહીં જ રહેજો.
આટલું કહીને તે ચાલ્યા ગયા . મિસિસ એલને ક્રિસને નાહી લેવા જણાવ્યું. ક્રિસ નાહવા ચાલી ગઈ.
એલને મને કૉફી , નાસ્તો વગેરે આપીને જમી લેવા જણાવ્યું. ત્રણ દિવસના કડાકા હતા તેથી ભરપેટ જમ્યો. એ દરમ્યાન ક્રિસ નાહી – કપડાં બદલીને આવી ગઈ.
આ તરફ મિ. વિલિયમ એક ઈન્સ્પેક્ટરને લઈને રૂમમાં આવ્યા. ઇન્સ્પેકટરે મારું નિરીક્ષણ કરીને મારા વિશે અંગત માહિતી મેળવવા પ્રશ્નો કર્યા.
તેનો સંતોષકારક જવાબ મળતાં તેઓ વિદાય થયા.
( મિત્રો આ સમગ્ર ઘટના બની એનુ સંપુર્ણ રહસ્ય હજી બાકી છે. અને તેથી પુસ્તકની અમુક ઘટના ટુંકાવીને મૂળ રહસ્યવાળી ઘટના પર સીધા લઇ જાઉ છુ. જેથી પોષ્ટ વધુ લાંબી ન થાય.)
**********
મિ. અને મિસિસ વિલિયમ બને આ વાત સાથે સહમત થયાં. અમે ત્યાંથી જીપ – ટેકસી કરીને હૃષીકેશ (આબુનુ એક સ્થળ) પહોંચ્યા.
સાથે આવેલા મહેમાનોને ત્યાં જ રોકાવાનું જણાવી હું મંદિરમાં ગયો. તપાસ કરતાં જણાયું કે અટલગિરિજી ઉપર બેઠા છે. મેં મારા આવવાના સમાચાર મોકલ્યા અને મહેમાનોને લેવા માટે બહાર ગયો. ટેકસીવાળાને ૨-૩૦ વાગ્યે આવી જવાનું નક્કી કરી મહેમાનોને લઈ મંદિરની ખુલ્લી પરસાળમાં દાખલ થયો.
અટલગિરિજી પગથિયાં ઊતરીને આવી રહ્યા હતા. તેઓને જોઈને મેં વંદન કર્યું. સૌ મહેમાનોએ પણ વંદન કર્યાં.
અટલગિરિજીએ મારી પાસે આવી પ્રેમપૂર્વક માથા પર હાથ ફેરવી પૂછ્યું ” કુશળ છો ને ? ” કુશળ સમાચાર બાદ મેં અટલગિરિજીને સૌ મહેમાનોનો પરિચય આપ્યો.
જ્યારે ક્રિસનો પરિચય આપવા જઈ રહ્યો હતો. ત્યાં વચ્ચેથી જ મને અટકાવીને તેઓએ કહ્યું : ” ક્રિસને હું ઓળખું છું, “
ઘડીભર માટે મને ક્ષોભ સાથે આશ્ચર્ય થયું. હું કાંઈ પ્રશ્ન કરું તે પહેલાં બધાંને મેડી ઉપર આવવાનું કહી અમારા માટે ચા – નાસ્તો તેમ જ જમવાની વ્યવસ્થા માટે ભંડાર તરફ તેઓ ચાલ્યા ગયા.
અમે સૌ મેડી ઉપર ગયાં. ત્યાં મહેમાનો માટે એક મોટા ઓરડાની વ્યવસ્થા હતી. ત્યાં જ અમારી વ્યવસ્થા હતી. અમે સૌ બેઠાં. હું મિ. વિલિયમ તથા ક્રિસને આ આશ્રમ વિશે , સાધુઓ વિશે તથા સાધુ સંસ્કૃતિ વિશે સમજણ આપી રહ્યો હતો. થોડી વારે અટલગિરિજી પણ આવ્યા . તેઓ પોતાના મૃગચર્મ પર બેઠા.
થોડી વારે મેં તેઓને પ્રશ્ન કર્યો : “આપ ક્રિસને કેવી રીતે ઓળખો છો ? “
જવાબમાં તેમણે હસીને કહ્યું : “તમે ક્રિસને ચમત્કાર બતાવવા લઈ ગયા હતા અને ક્રિસે તમને ચમત્કાર બતાવ્યો , ખરું ને ? “
એમનો કટાક્ષપૂર્ણ જવાબ સાંભળીને મારા મગજમાં વિચારોનો ખળભળાટ મચી ગયો. ઘડીભર શું પ્રશ્ન પૂછવો કે શું જવાબ આપવો તેમાં ગૂંચવાઈ ગયો. મારી આંખોમાં અસંખ્ય પ્રશ્નો ઊભરાતા જોઈ અટલગિરિજીએ સાંત્વન આપતાં જણાવ્યું : “ શાંતિ જાળવો , બધું સમજાઈ જશે. ”
થોડી વાર અમારા સૌ વચ્ચે અલકમલકની વાતો થતી રહી. અનુક્રમે ચા – નાસ્તો , જમવાનું કાર્ય પૂરું કરતાં સમય થવા આવ્યો હતો. એ દરમ્યાન ટેકસી આવી જતાં અમે સૌ નીચે ઊતર્યા. અટલગિરિજી પણ સાથે આવ્યા. મિ. વિલિયમે પોતાનું સરનામું , ફોન નંબર આપીને ખૂબ આગ્રહપૂર્વક શિકાગો આવવા જણાવ્યું.
ક્રિસ પણ ખૂબ આભારવશ થઈને ઉત્તમ મિત્ર મળવાનો આનંદ દર્શાવી ભાવુકતાથી મને જોઈ રહી હતી. મેં સૌને ટેકસીમાં બેસાડી ખૂબ સ્નેહપૂર્વક ભાવભરી વિદાય આપી.
ક્રિસ ચાલી ગઈ. એક ચિત્રપટની જેમ બધા પ્રસંગો ઝડપથી પસાર થઈ ગયા હતા, તે માટે ત્યાં ઊભો રહી ક્ષણવાર વિચારી રહ્યો. અટલગિરિજી સાથે પુનઃ મેડી ઉપર ગયો. મને વિચારોમાં મગ્ન જોઈને સ્વસ્થ થવા કહ્યું. અટલગિરિજીએ ચલમ ચેતાવીને મને આપી.
મેં એકાદ – બે ફૂંક મારી ભૂતકાળને ઉડાડવા પ્રયત્ન કર્યો.
અટલગિરિજીને મેં વિનંતીપૂર્વક કહ્યું : “ હવે આપ વિસ્તારથી જણાવો કે આપ ક્રિસને કેવી રીતે ઓળખો છો ? અને ચમત્કાર વિશે શું કહેવા માગતા હતા ? “
તેઓ ઘડીભર મારી સામે જોઈને કાંઈક વિચારી રહ્યા. પછી બોલ્યા : “ તમે કુશળ અને સ્વસ્થ છો એ ગુરુમહારાજની કૃપા છે. બનવાકાળ બનતું જ રહે છે. તેને કોઈ અટકાવી નથી શકતું. છતાં ઉન્નતિનાં શિખરો સર કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. ”
અટલગિરિજીની વાત સ્પષ્ટ રીતે નહીં સમજાતાં મેં ફરી તેમને કહ્યું : “ જે કાંઈ કહેવાનું છે તે સ્પષ્ટ કહો. આપની આ ભાષા મને નહીં સમજાય ”
તેમણે સ્પષ્ટતા કરી : “ જ્યારે તમે મારી પાસેથી માઉન્ટ જવા નીકળ્યા ત્યારે મને કાંઈક અનિચ્છનીય બનશે એવું લાગ્યા કરતું હતું. શું થશે તે સ્પષ્ટ ન હતું. તમારી ફિરોજાની વીંટી જોઈને મેં સહજ ઇશારો પણ કરેલ. “ભૂતકાળને યાદ કરતો હું તેઓની વાત સાંભળી રહ્યો હતો.
અટલગિરિજીએ વાત આગળ શરૂ કરી : “ જ્યારે તમે આબુ ગયા ત્યારે આપણે વાત નક્કી થઈ હતી કે આવતી કાલે સાંજે જૂનાગઢ જવા માટે સાથે જઈશું તેમ છતાં તમે આવ્યા નહીં , જે મને વિચારતો કરવા માટે પૂરતું કારણરૂપ હતું. સાથે મારા મનમાં અકારણ ચિંતા થઈ રહી હતી અને વારંવાર ઉચ્ચાટન થયા કરતું હતું. જેમતેમ સમય પસાર કરીને મધ્યરાત્રિ થઈ. છતાં મનમાં વ્યાકુળતા ઓછી થઈ ન હતી. છેવટે યક્ષિણીનું આહવાન કર્યું. તે હાજર થતાં તમારા વિશે સમાચાર લાવવા જણાવ્યું. થોડી વારે તેણે સમાચાર આપ્યા કે તમે કાપાલિકની જાળમાં ફસાયા છો. સાથે કોઈ વિદેશી યુવતી પણ છે , જેનું નામ ક્રિસ છે.
તે કાપાલિક સ્મશાન ભૈરવના સાધનની ક્રિયા કરી રહ્યો છે , જેમાં ક્રિસને બલિ ચડાવી તેના જ મૃતદેહના માધ્યમથી પોતાની ક્રિયા પૂર્ણ કરવાની પેરવી કરી રહ્યો છે. તમે એના માટે બિનઉપયોગી હોવાથી તમને અસ્થિરચિત્ત કરી રખડતા મૂકી દેવા જેથી તેનો ભેદ સલામત રહે. તેણે કલવાની ચોકી મૂકી હતી જેથી તમે બન્ને છટકીને ક્યાંય જઈ ન શકો.”
હું મૂર્તિમંત થઈ અટલગિરિજીને સાંભળી રહ્યો. મારી સમજણમાં નહોતું આવતું કે આ બધું શું બની ગયું અને કઈ રીતે હું બચી જવા પામ્યો.
મેં તેઓને પ્રશ્ન કર્યો : “કલવા ચોકીની પાછળ શું રહસ્ય છે ? ‘ કલવા ’ એટલે એટલગિરિજીએ ઘડીભર માટે મૂળ વાતને બાજુ પર મૂકતાં કલવા અંગે ઉલ્લેખ આ કલાને ‘કચ્ચા કલવા’ના નામથી ઓળખવામાં આવે છે. અત્યારના દેશ કાળમાં તેની સાધના મોટે ભાગે રાજસ્થાન અને બંગાળમાં વધુ પ્રમાણમાં થાય છે. આ એક મેલી સ્મશાન સાધનાનો પ્રકાર છે. (આ આખી સાધનાની રીત છે. જે પુસ્તકમા આપી છે. પણ અહી આપણે મુખ્ય ઘટના પર જઇશુ.)
આ ‘કચ્ચા કલવા’ની ચોકી તમારા માટે મૂકવામાં આવી હતી જેથી તમે તે વિસ્તાર છોડીને જઈ ન શકો. ”
અટલગિરિજીએ કરેલો ઉલ્લેખ સાંભળી મને થયેલો દુ:ખાવો યથાર્થ જણાયો.
તેમણે મૂળ વાત ઉપર આવતાં આગળ કહ્યું : યક્ષિણી પાસેથી તમારી સંપૂર્ણ પરિસ્થિતિ જાણ્યા પછી મેં તેને કહ્યું , “તમે આ મુશ્કેલીમાં મદદ કરો અને બન્નેને હેમખેમ પાછાં લઈ આવો.”
ત્યારે યક્ષિણીએ જણાવ્યું કે આ કાર્ય કરવા માટે હું સમર્થ નથી કારણ કે તે કાર્ય મારા કાર્યક્ષેત્ર બહારનું છે.
તેના આ જવાબથી હું મૂંઝાયો. થોડી વાર વિચાર કરી યક્ષિણીને તમારી દેખરેખ રાખવા અને શક્ય એટલું રક્ષણ આપવાનું સૂચવી જવા માટે કહ્યું. તેના ગયા પછી મેં ગુરુ મહારાજ અનાદિનાથ પાસે જવાનો નિર્ણય લીધો. રાત્રે ઉંઘ આવી નહીં. વહેલી સવારે ટેક્સી લઈ માઉન્ટ જવા નીકળ્યો. રસ્તામાં ટેક્સી છોડી દઈ ગુરુમહારાજ પાસે ગયો. મારા સદ્ભાગ્યે તેઓ ગુફામાં જ હતા.
મને જોઈ તેઓ હસીને કહેવા લાગ્યા “ સંસારી લોકો સાથે પ્રેમબંધન રાખવાથી કેવી દોડાદોડી કરવી પડે છે તે જોયું ને ? “
હું શા માટે ગયો છું તેનો તેમને અંદાજ આવી ગયો છે એમ જણાયું. છતાં મેં દંડવત્ વંદના કરી બધી વાત ટૂંકમાં કહી સંભળાવી.
મારી વાત સાંભળ્યા બાદ તેઓ ક્ષણવાર વિચારી રહ્યા. થોડીવાર પછી તેઓએ પોતાનું આસન બદલી તેમની સાધ્ય દેવી તારાનું સ્મરણ કર્યું. સ્મરણ થતાં જ તારાની હાજરી થઈ, જે હું જોઈ શકતો ન હતો.
અઘોરી મહારાજે તેને કાર્ય પાર પાડી કાપાલિકને યમલોક મોકલવાની આજ્ઞા કરી. આ પ્રમાણે વ્યવસ્થા કર્યા બાદ તેઓએ મને જવા માટે કહ્યું અને વધુમાં જણાવ્યું કે નિશ્ચિંત રહેજો. તમારા મિત્ર કુશળતાપૂર્વક તમારી પાસે આવી જશે. અમરકથાઓ
મેં તેઓનો ખૂબ આભાર માની વિદાય લીધી. બપોર સુધીમાં હું આશ્રમે પાછો આવી ગયો. મને તમારા જ વિચારો આવ્યા કરતા હતા. કયારેક રૂબરૂ તમારી પાસે આવવા મનમાં ઇચ્છા થતી હતી, પણ તેમ કરવામાં કાર્યમાં વિલંબ થવા સંભાવના હતી તથા ગુરુમહારાજના વચનમાં શંકા ઉત્પન્ન કરવા જેવું હતું. વારંવાર ઈશ્વર પાસે તમારી કુશળતા ઇચ્છતો રહ્યો.
(કેવી રીતે અટલગીરીજી અને તેમના ગુરુ મહારાજ દ્વારા કાપાલિકની ચુંગાલમાથી લેખક અને ક્રિસને બચાવ્યા ? અને શુ હતુ કાપાલિકનું રહસ્ય..? કઇ રીતે એને યમલોક પહોચાડ્યો ? એ માટે આવતીકાલનો છેલ્લો ભાગ અવશ્ય વાંચવો.)
(ક્રમશ:)
મોહનલાલ અગ્રવાલ