ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટી૨૦ મેચની શ્રેણીનો શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે. આ સિરીઝ માટે ભારતીય ટીમમાં ૧૯ ખેલાડીઓને સ્થાન અપાયું છે. ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોરે સંકેત આપી દીધો છે કે ટીમ મેનેજમેન્ટ ચાલુ વર્ષના અંત ભાગમાં ઘરઆંગણે રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપની અત્યારથી તૈયારી કરી રહ્યું છે અને ઇંગ્લેન્ડ સામેની ટી૨૦ શ્રેણી દરમિયાન જ વર્લ્ડ કપ માટેની ટીમ પસંદ થઇ શકે છે. ટીમ પાસે બેલેન્સ બેટિંગ લાઇનઅપ છે. મને આશા છે કે ટી૨૦ સિરીઝ દરમિયાન જ વર્લ્ડ કપ માટેની ટીમની તસવીર સ્પષ્ટ થઇ જશે. અમારે બસ કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત થાય તો તેના વિકલ્પ તરીકે કયા ખેલાડીને ટીમમાં સામેલ કરવો તે અંગે જોવાનું રહેશે.
ભારતીય ટીમના અભિગમ અંગે રાઠોરે જણાવ્યું હતું કે ખેલાડીઓ હંમેશાં જીતવા માટે મેદાનમાં ઉતરે છે. અમારા માટે મેચ જીતવી મહત્ત્વની છે. જો તમે ટાર્ગેટ ચેઝ કરો છો તો સ્ટ્રાઇક રેટનો ફરક પડતો નથી. જો અમે પ્રથમ બેટિંગ કરીએ છીએ તો સ્કોરબોર્ડ ઉપર મોટો સ્કોર નોંધાવાની અમારી રણનીતિ રહેતી હોય છે. અમે સ્ટ્રાઇક રેટ કરતાં મેચ જીતવા ઉપર વધારે ધ્યાન આપીએ છીએ.
ઇંગ્લેન્ડ સામેની ટી૨૦ શ્રેણી સાથે મેન ઇન બ્લૂમાં પરિવર્તિત થવાનો સમય આવી ગયો છે. રિષભ પંતે સોશિયલ મીડિયામાં એક તસવીર પોસ્ટ કરી હતી અને તેમાં તમામ ખેલાડીઓ ભારતની બ્લૂ રંગની જર્સીમાં દેખાય છે. લોંગેસ્ટમાંથી શોર્ટેસ્ટ ફોર્મેટમાં પરત ફરવાથી ખેલાડીઓ વધારે ઉત્સાહિત જણાતા હતા.
VR Sunil Gohil