ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ વન-ડે મેચમાં ઇંગ્લેન્ડને 66 રને માત આપી હતી પરંતુ બીજી મેચ પહેલા જ ટીમ ઇન્ડિયાને બે મોટા ઝટકા લાગ્યા છે. પ્રથમ મેચમાં ટીમના સિનિયર ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને શ્રેયસ અય્યર ઇજાગ્રસ્થ થઇ બહાર થઇ ગયા હતા. રોહિત હવે બીજી વન-ડે મેચથી બહાર થઇ ગયો છે, જ્યારે અય્યર આખી સિરીઝથી બહાર થઇ ગયો છે.
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ વન-ડે મેચ દરમિયાન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. ખરેખર માર્ક વુડની ઝડપી બોલિંગમાં એક બોલ રોહિતની કોણીમાં વાગ્યો હતો, જેના પછી રોહિત દુખાવાથી કણસી રહ્યો હતો અને મેડિકલ સ્ટાફને મેદાનમાં આવવું પડ્યુ હતું. તેના પછી રોહિત ફિલ્ડીંગ કરવા માટે પણ મેદાનમા આવ્યો નહતો અને તેના સ્થાને સૂર્યકુમાર યાદવે ફિલ્ડીંગ કરી હતી. હવે બીજી મેચમાં રોહિત શર્મા રમી શક્શે નહીં. બીસીસીઆઇના એક સૂત્રએ જણાવ્યું કે,’અનુભવી સલામી બેટ્સમેન રોહિત શર્મા પણ આગામી મેચમાં ભાગ લેશે નહીં’
બીજી તરફ શ્રેયસ અય્યરના ખભાનું હાડકું ખસકી જવાના કારણે સિરીઝમાં આગળ રમી શક્શે નહીં. માત્ર આટલું જ નહીં આઇપીએલના પ્રથમ હાફમાં અય્યરના રમવા પર સંદેહ પેદા થઇ રહ્યો છે. આ ઘટના ઇંગ્લેન્ડની ઇનિંગની આંઠમી ઓવરમાં બની હતી. જ્યારે શ્રેયસે ઝડપી બોલર શાર્દુલ ઠાકુરના બોલિંગ પર જૉની બેયરસ્ટોના એક શૉટને રોકવાની કોશિશમાં છલાંગ લગાવી હતી. બીસીસીઆઇ એ કહ્યું,’શ્રેયસ અય્યરના ખભાનું હાડકુ આંઠમી ઓવરમાં ફિલ્ડીંગ કરતા સમયે ખસી ગયુ હતું. તેને સ્કેન માટે લઇ જવાયો છે.’
જણાવી દઇએ કે, નવ એપ્રિલથી શરૂ થનાર આઇપીએલમાં અય્યર દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. શ્રેયસે ગત વર્ષે દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડ્યુ હતું. હવે તેને પોતાની ઇજાથી ઉભરવામાં ઓછામાં ઓછા છ અઠવાડિયાનો સમય લાગી શકે છે અને જો સર્જરી કરાવી પડે છે તો વધુમાં વધુ સમય લાગી શકે છે.
VR Sunil Gohil