”આ જિંદગી કેટ કેટલા ઉપકાર તળે જીવાય છે’
તો પણ ક્યાં ખમીને કોઈનો આભાર મનાય છે.”
સહજ રીતે બધું જ જાણતો વ્યક્તિ ઉપકારની અભિવ્યક્તિને વિસરી ચુક્યો છે.એવું કહેવું જરાય ખોટું નથી કે, સ્વાર્થવૃત્તિ એ પરોપકારના સદગુણને કાયમી ગ્રહણ લગાડી દીધું છે.
ઉપકારની અભિવ્યક્તિ પરથી આજના ભદ્ર સમાજમાં વસવાટ કરતાં લોકોના પ્રકાર ઘણી સરળતાથી પાડી પણ શકાય છે.
1. ઉપકાર પર અપકાર કરનાર : આ પ્રકારની અભિવ્યક્તિ કરતી વ્યકિતઓ ઘણું નિમ્ન સ્તર ધરાવતી હોય.એમની સરખામણી સાપ- વીંછી જેવા પ્રાણી સાથે કરી શકાય.જેમ સાપ અને વીંછી એમના પાલકને પણ પોતાના ઝેરીલા ડંખનો આસ્વાદ કરાવી દે.
સરળ રીતે કહું તો આધુનિક યુગમાં ઘરે ઘરે આ પ્રકારની વ્યક્તિઓ વધારે જોવા મળશે.જેમણે એમનું પાલન-પોષણ- સંસ્કરણ કર્યું હોય, એમના સપનાઓ પૂર્ણ કરવા રાત દિવસ મહેનત કરી હોય એ જ માતા-પિતા કે ઘરના કોઈ વડીલને ચૂપ કરાવી દેવામાં,હડધૂત કરી દેવામાં એમને કોઈ હિચકિચાટ- શરમ ન પ્રગટે.જાણે કે જે ડાળે આશ્રય આપયો હોય એ જ ડાળને સ્વાર્થ ખાતર કાપવામાં એમને કોઈ વાંધો જ ન હોય. અગણિત ઉપકાર કરનાર માતા પિતાને જ ભૂલી જનારની સંખ્યા મોંઘવારીની જેમ કુદકે ને ભૂસકે વધી રહી છે.
2. ઉપકારને ભૂંસી નાંખનાર : આ પ્રકરની અભિવ્યક્તિ કરનાર ડગલે ને પગલે આજના સમાજમાં તમને જોવા મળી રહેશે તમે બધાએ જોયું છે ને સ્કૂલના બ્લેક બોર્ડના સંબંધી એવા “ડસ્ટરને”? આ ડસ્ટરનું એક જ કાર્ય હોય છે. ભૂંસવાનું. ભલે ને ચાહે તેવા મરોડદાર અક્ષરે બ્લેકબોર્ડ પર અભ્યાસપૂર્ણ લખાણ કરાયું હોય. પણ એના પર ડસ્ટર ફરતાંવેંત એ લખાણ અદૃશ્ય થઈ જ જાય. બીજા પ્રકારની વ્યકિતઓ આ ડસ્ટરનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. કોઈએ ભલે ને ચાહે તેવો અગત્યનો- મહત્ત્વપૂર્ણ ઉપકાર કર્યો હોય, આ સ્તરની વ્યકિત ડસ્ટર જેવી બનીને એ ઉપકારસ્મૃતિ ભૂંસી નાખતા વાર ન કરે.
જ્યારે એ ઉપકાર થયો હોય ત્યારે એનાં મુખે શબ્દો સુકાતા ન હોય કે, તમારો ઉપકાર જીવનભર નહિ ભૂલું- તમારો ખૂબ ખૂબ આભાર.પરંતુ કાર્ય થઈ ગયા બાદ એ એને જરાય યાદ પણ ન કરે.જાણે કે, ‘ગરજ સરી ને વૈદ વેરી.’ ન સામી વ્યકિતના ઉપકારનો એ અવસરે બદલો વાળે કે ન અવસરે એ ઉપકારની સ્મૃતિ- પ્રશંસા કરે. આવા અભિગમથી એમનું એક મોટું નુકસાન એ થાય કે સામેની વ્યકિત કદરના અભાવે બીજીવાર કોઈને મદદરૂપ થવા તૈયાર નહિ થાય. યાદ રહે કે એક નહિ બિરદાવાયેલ ઉપકારનું કાર્ય અન્ય હજારો પરોપકારકાર્યોને ઊગતાં જ ડામી શકે છે.
3.ઉપકારની સ્મૃતિ રાખનાર : આ પ્રકારની વ્યકિતઓ હોય છે ચોક જેવી. ચોક જેમ બ્લેકબોર્ડ પર સરસ અક્ષરો અંક્તિ કરે છે, એમ આ ત્રીજા પ્રકારની વ્યકિતઓ સ્મૃતિના બ્લેકબોર્ડ પર અન્યોના ઉપકારો- અન્યોએ કરેલ સહાય હમેંશા માટે અંકિત કરે છે. આનાથી એનામાં તે તે ઉપકારી જનો પ્રત્યે આદરભાવ- આભારભાવ પ્રગટે છે અને યોગ્ય અવસરે એ અભિવ્યક્ત પણ થાય છે.
ઉપકારની સ્મૃતિની અભિવ્યક્તિ કરનાર વ્યક્તિને આનાથી અંગતરૂપે તો કુશલનો લાભ થવાની ઉજળી શક્યતા પ્રાપ્ત થાય છે જ, ઉપરાંત ઉપકારની ધારાને અજસ્ર- અસ્ખલિતપણે વહેતી રાખવામાં નિમિત બનવાનો લાભ પણ મળે છે.ઉપકારસ્મૃતિની આ યોગ્યતા તો પ્રગટાવી જરૂરી છે . એનાથી ઘણાની યોગ્યતાના વિકાસની સંભાવના રહેશે.કરેલ ઉપકારની યોગ્ય સમયે દરકારથી ઉપકાર કરનારને ઉપકાર લેનાર માટે આદરભાવ જળવાય રહે છે.
4.ઉપકારની સામે પ્રત્યુપકાર કરનાર : આ સૌથી શ્રેષ્ઠ સ્તર છે. આ સ્તરની વ્યકિત ધરતી જેવી હોય છે. જેમ ધરતીને ખેડૂત થોડીક મુઠ્ઠી જેટલું ધાન્ય બીયારણરૂપે આપે છે અને ધરતી એના વળતર રૂપે મૂઠ્ઠી ભરીને નહિ પણ ગાડાં ભરીને ધાન્ય આપે છે બસ એવી જ રીતે. બીજી રીતે કહીએ તો ઉપકારની અદાકારીમાં આ સ્તરની વ્યકિત વૃક્ષ જેવી છે. જેમ વૃક્ષને આપણે માત્ર પાણી પીવડાવીએ છીએ પણ વૃક્ષ બદલામાં આપણને ફળ- ફુલ-કાષ્ઠ તેમજ તેનો છાયા વગેરે આપે છે.બસ, એ જ રીતે આ સ્તરની વ્યકિતઓ પણ નાનાકડા ઉપકારના વળતરરૂપે બહુ મોટો- સવાયો પ્રત્યુકાર કરવા તત્પર રહેતી હોય છે.
ઉપકાર અભિવ્યક્તિની આ રીત ઘણી ઉત્કૃષ્ટ કહેવાય છે.
આવી વ્યક્તિ સામી વ્યકિતના ઉપકારને હૃદયપટ પર શિલાલેખની જેમ જડબેસલાખ અંકિત કરી દે છે. શિલાલેખ જેમ કાયમી હોય એમ આવી વ્યકિતના હૃદયમાં અન્યો દ્વારા કરાયેલ ઉપકાર પણ કાયમી હોય છે અને અવસર આવતા જ એ ઉપકારનાં બદલામાં પ્રત્યુપકાર કર્યા વિના ન રહે.
આપણે સહુ વ્યક્તિ તરીકે એક વાત હમેંશા યાદ રાખીએ કે, આપણે અન્યો પર કરેલ ઉપકાર કદી યાદ રાખવા નહિ અને અન્યોએ આપણા પર કરેલ ઉપકાર કદી વીસરવા નહિં.
એક સરળ વાક્યમાં સમજાવું તો ઉપકારની અભિવ્યક્તિ એટલે આપણા સંસ્કારની સાથે આપણા અલગ અલગ ભાવને અલગ અલગ સમયે અને સંજોગોમાં પ્રદર્શિત કરી શકે એવો અતિ હળવો પણ અનહદ ભારે એવો આપણા “જીવનનો પર્યાય”.
રેખા મણવર “સ્નેહ”