“પપ્પા, બહાર અવાજ શેનો આવે છે?” ઑક્સિજનનું માસ્ક અને વેન્ટિલેટરના બીપ બીપ અવાજ સાથે શૌર્યરાજએ પૂછ્યું.
“બેટા, એ તો બહાર કઠપૂતળીનો ખેલ કરવા માટે કલાકારો આવેલા છે એટલે આખી સોસાયટી ભેગી થઈ છે.” પપ્પાએ શૌર્યરાજના માથા પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું.
“એ શું હોય?”
“એમાં એક કલાકાર લાકડાની બેજાન ઢીંગલીઓને રંગબેરંગી વસ્ત્રો પહેરાવીને, એમાં દોરી બાંધે અને પરદા પાછળથી એ કઠપૂતળીઓને નચાવે અને મનોરંજન કરે અને લોકો એના પૈસા આપે.”
“તો પપ્પા હું કઠપૂતળી જ થયો ને?”
“કેમ એવું કહે છે બેટા?”
“જોવો પપ્પા, ડૉક્ટરને એ બધા કલાકાર છે, હું બેજાન ઢીંગલો અને મારા પર આ વેન્ટિલેટર અને ઑક્સિજન માસ્કની દોરી. ડૉક્ટર નચાવે એમ હું નાચું છું અને ઘણા લોકો જ્યારથી મારો ફોટો અને દશા જોવે છે ત્યારથી અમુક સહાનુભૂતિ દર્શાવી મને પૈસા આપે છે, બાકીના તો ફક્ત મનોરંજન જ મેળવે છે.”
પપ્પા બિચારા એના વ્હાલસોયા શૌર્યરાજને અશ્રુભરી નજરે જોઈ જ રહ્યા અને મનમાં કવિયત્રી શ્રી હર્ષાબેન દવેની વાત વાગોળવા લાગ્યા.
“છતાં કઠપૂતળીને લાગતું કે મુક્ત છે હવે,
ચીવટથી એમ દોરી બાંધનારને ઘણી ખમ્મા!”
સુનિલ ગોહિલ “માસ્તર”