વિષય : શિયાળાની સિસ્ટમમાં ફેરફાર કરવા બાબત
અત્રે હું હાર્દિક મકવાણા, શિયાળામા પડી રહેલી અતિ ઠંડીથી ત્રસ્ત થઈને થોડા ઘણા ફેરફાર કરવાની માગણી આ પત્ર સાથે રજૂ કરું છું.
1. સૌ પ્રથમ ભગવાનને વિનંતી કે શિયાળાના દિવસો દરમ્યાન તડકો થોડો વહેલો ચાર વાગ્યાથી શરૂ કરી દેવો તથા સાંજના આઠ વાગ્યા સુધી લંબાવી રાખવો.
2. સર્વે સામાજિક સંસ્થાઓને અપીલ છે કે એ અમારી સ્નાન વિરોધી ચળવળ ને સાથ આપે.
3. સર્વે ટાઢ પીડિત ભાઈઓ બહેનોને પણ અસ્નાન આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાવા અમારૂ આમંત્રણ છે.
4. દ્વિચક્રી વાહનોનું ઉત્પાદન કરતી કંપનીઓને એક સુચન છે કે તેઓ સંપૂર્ણ પણે પગ વડે સંચાલિત થઈ શકે એવી ગાડીઓ બનાવવા પર જોર આપે. જેથી લોકો હાથ ખિસ્સામાં રાખીને પણ ચલાવી શકે.
5. ભગવાનને વિનંતી કે શિયાળાના ત્રણ મહિના સુધી શરીર પર ઉન ઊગી નીકળે એવી વ્યવસ્થા કરી આપે. હું માનવજાત તરફથી બાંહેધરી આપું છું કે એકબીજાના ઉન ખેંચીને કોઈ રંજાડ નહિ કરવામાં આવે.
6. પાણી વગર નાહીં શકાય એવા સાબુ કે શેમ્પુ શોધવા પર ધ્યાન આપવામાં આવે.
7. કોરોના જો લાબું ટકવાનો હોય તો શિયાળા પૂરતા ગરમ સેનિટાઈઝરની વ્યવસ્થા કરવી.
8. સવારના ચાર થી સાત મોર્નિંગ કરફ્યુની જરૂર હોય એવું હવે લાગી રહ્યું છે.
9. શિયાળામાં મહત્તમ બે જ વખત નહાવાની છૂટ આપવામાં આવે. – એક વખત ડિસેમ્બરમાં અને બીજી વખત ફેબ્રુઆરીમાં.
10. જે લોકો જાતે સ્નાનનો ત્યાગ કરવા માંગતા હોય એમને લોકો પૂરો સાથ આપે. એમને લઘર વઘર કે સુઘરા જેવા શબ્દોથી સન્માનિત કરવા નહિ.
11. પરાણે નહાવા મોકલનારા લોકો માટે કડક સજા વાળા કાયદાની જોગવાઈ કરવામાં આવે.
13. ઠેર ઠેર ગરમાગરમ આદુ વાળી ચાના પરબ બંધાવી આપવા તથા વિના મૂલ્યે અડદિયા વેચવા.
14. ગૃહિણીઓને ખાસ વિનંતી કે કાણા વાળા ધાબળા- ગોદડાનો સત્વરે નિકાલ કરી નવા વસાવી લે.
15. સરકારને વિનંતી કે પ્રધાનમંત્રી-ધાબળા-લોન કે મુખ્યમંત્રી-ગોદડા-સબસીડી ની વ્યવસ્થા કરે.
16. એસટી ડિપાર્ટમેન્ટને ખાસ સૂચના કે બસોની ઢીલી બારીઓ અને ઉખડી ગયેલા બોલ્ટના કાણાં જેવા “કોલ્ડસ્પોટ” ને તાત્કાલિક રીપેર કરવામાં આવે.
17. રાજકારણીઓને વિનંતી કે બેફામ નિવેદનબાજી કરીને વાતાવરણ ગરમાવતા રહે.
18. નોરા ફતેહી જી ને દિલથી વિનંતી કે “હાય ઠંડી” જેવા પણ “હોટ” સોન્ગ બનાવતા રહે.
19. ભગવાન ને ખાસ કહેવાનું કે શિયાળામાં પણ એકાદ કેરી જેવું ફળ આપે જેથી શિયાળામાં પણ કુછ મીઠા હો જાયે.
20. સરકારને સૂચન કે કોરોના ની સાથે સાથે નીચે મુજબની કોલર ટ્યુન પણ શરૂ કરી આપે.
“શિયાળાની શીત લહેર હવે આખા દેશમાં શરૂ થઈ ગઈ છે. માટે જો ખૂબ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો. વાંદરા ટોપી, હાથ મોજા ને કાનપટ્ટીનો ઉપયોગ કરતા રહો. યાદ રાખો કે આપણે ઠંડીથી લડવાનું છે…”
હું આશા રાખું છે કે મારી આ ઠંડી ઠંડી “સળગતી” સમસ્યાઓનો સત્વરે નિકાલ આવે એ માટે આપ સહું સાથ અને સહકાર આપશો.
લિ.
આપનો ઠરી ગયેલો વિશ્વાસુ,
હાર્દિક મકવાણા.