20 માર્ચ કે જેને આખા વિશ્વમાં વર્લ્ડ હેપ્પીનેસ ડે એટલે કે વિશ્વ ખુશી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુખ – દુઃખ એ આપણી જિંદગીમાં આવતી પરિસ્થિતિઓ છે, જ્યારે ખુશી એ આપણા મનની એક સ્થિતિ છે, જેને આપણે કદાચ સુખની પરિસ્થિતિ સાથે જોડી દીધી છે. જ્યારે જિંદગીમાં સુખની પરિસ્થિતિ આવે ત્યારે જ આપણે ખુશ રહેતા હોઈએ છીએ. આપણી ખુશીને કદાચ આપણે સુખ પર આધારિત બનાવી દીધી છે. આપણા મનની સ્થિતિ કે જેના પર પરિસ્થિતિ આધારિત હોવી જોઈએ, એ મનની સ્થિતિને આપણે પરિસ્થિતિ પર આધારિત કરી મૂકી છે. જિંદગી છે, તો સુખ દુઃખની પરિસ્થિતિ તો આવે ને જાય પણ આપણી મનોસ્થિતિ તો અડગ જ રહેવી જોઈએ. હેપ્પીનેસ – ખુશી એને આપણી જિંદગીરૂપી વાહનનું ઈંધણ કહી શકાય. જો જિંદગીમાં ખુશી નામનું ઈંધણ ન ભરીએ તો પણ એને ચલાવી તો શકાય જ પણ ધક્કા મારીને. જો જિંદગીરૂપી વાહનમાં ખુશીનું ઈંધણ હોય ને તો ગમે તેવા કપરા ને આડા અવળા રસ્તાઓ પણ સરળતાથી પાર થઈ શકે.
આપણે હંમેશા જેનાથી આપણને ખુશી મળતી હોય એને કાયમને માટે આપણી પાસે સાચવીને રાખવા ઈચ્છતા હોઈએ છીએ, પછી તે વસ્તુ હોય કે વ્યક્તિ. આપણને દરેક વસ્તુની જેમ ખુશીની પણ સલામતી જોઈતી હોય છે. ઘણી વખત આપણે આપણી ખુશીને માણવા કરતા એને સાચવવામાં પરોવાઈ જતા હોઈએ છીએ અને ક્યારેક તો એવું પણ બને કે ન તો તમે એ ખુશીની પળને માણી શકો કે ન તો એને સાચવવામાં સફળ થાવ. બે મિત્રો પાર્કમાં બેઠા હતા. ત્યાં અચાનક તેમની પાસે ઉડતા ઉડતા બે ખૂબ સુંદર પતંગીયાઓ આવ્યા, તેમાંથી એક મિત્રએ પતંગિયાઓનો ફોટો પાડવા માટે એનો ફોન કાઢવા લાગ્યો અને જ્યાં ફોન કાઢીને ફોટો પાડવા ગયો ત્યાં એ પતંગિયાઓ ત્યાંથી જતા રહ્યા. એટલે એ બબડ્યો કે ન તો હું એમને સરખું જોઈ શક્યો ન ફોટો પાડી શક્યો. ત્યારે બીજા મિત્રએ એને કહ્યું કે ઘણી વખત ખુશીની પળને સાચવી લેવા કરતા જે તે સમયે માણી લેવી જોઈએ.
આપણને રસોઈ બનાવીએ ત્યારે લીમડાનો ઉપયોગ વઘારમાં કરતા હોઈએ છીએ જેનાથી વાનગી સ્વાદિષ્ટ બને અને કોથમીરનો ઉપયોગ સજાવટ માટે કરતા હોઈએ છીએ કે જેથી વાનગી સારી દેખાય. ખુશી કે જેનું સ્થાન આપણી જિંદગીમાં લીમડા તરીકે પાયાનું હોવું જોઈએ. ફરજિયાત હોવું જોઈએ એને આપણે કોથમીરની જેમ સજાવટની – શોભાની વૈકલ્પિક વસ્તુ બનાવી દેતા હોઈએ છીએ. વાનગી સ્વાદિષ્ટ હોવી અને સારી દેખાવી એ બંને અલગ બાબત છે, બંનેમાં અંતર હોય છે.
એ જ રીતે હકીકતમાં ખુશ હોવું અને ખુશ દેખાવું એ બંનેમાં અંતર રહેલું છે. ઘણી વખત આપણે ખુશ દેખાવનો અભિનય તો બહુ સારી રીતે કરી લેતા હોઈએ છીએ પણ હકીકતમાં ખુશ હોતા નથી. માટે હંમેશા ખુશીને આપણા જીવનનો પાયો બનાવીને આપણી મનોસ્થિતિમાં જ એને રોપી દેવી જોઈએ જેથી બાહ્ય પરિસ્થિતિઓ આપણી ખુશીને વૈકલ્પિક શોભાની વસ્તુ બનાવીને ન મૂકી શકે.
હંમેશા ખુશ રહો, ખુશી વહેંચતા રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ.
જાગૃતિ તન્ના “જાનકી”