અમે નાના હતા ત્યારે ચોમાસામાં વરસાદને લીધે આંગણાની રમતો ન રમી શકતા. ત્યારે રજાને દિવસે આડોસ પડોસના નાના બાળકો ભેગા થઈ, કોઈના ધરમા અથવા કોમન પેસેજમા, ઘર ઘરની રમત રમતા. દરેક જણ પોતાને ઘરેથી કંઈને કંઈ લઈ આવે. એક બે ચાદરની મદદથી તંબુ જેવું ઘર બનાવતા. રમવાના રસોડાં, નાની છત્રી, રમકડાં અને આવી નાની નાની વસ્તુઓ ભેગી કરી ઘર બનાવતા. પછી એક છોકરો કહે કે આજે હું પપ્પા બનીસ, તો તરત એક છોકરી કહે હું મમ્મી બનીસ. જો બે છોકરીઓ મમ્મી બનવા માટે દાવો પેશ કરે તો એકને સમજાવીને દાદી બનાવી દેતા. કોઈ બીજો છોકરો પપ્પા બનવાનો દાવો કરે તો એને ડોકટર બનાવી દેતા. બાકી વધેલા બધા ભાઈ બહેન.
બસ પછી કલાક બે કલાક આ રમત ચાલતી. બાળકોએ જે અસલ જીવનમાં જોયું હોય તેની નકલ કરવાનો પ્રયત્ન કરતા. પપ્પા, મમ્મીને અને છોકરાવોને વઢતા પણ ખરા. કોઈને તાવ આવ્યો હોય ત્યારે ડોકટર વિઝીટે આવી ઈન્જેકશન પણ આપી જતા. રાત પડતી તો બધા સૂઈ જવાની એકટીંગ કરતા, અને બે ત્રણ મિનિટમાં જ સવાર પડતી તો મમ્મી બધાને જગાડી દેતી. આમા થોડા લડાઈ ઝગડા પણ થતા અને રમત પૂરી થઈ જતી.
આજે પણ આ ઘર ઘરની રમત રમાય છે પણ એમા બાળકોને બદલે યુવક-યુવતીઓ રમવાવાળા હોય છે. આજે આ રમતનું નામ બદલી એને “લીવિંગ-ઈન રીલેશન” નામ આપવામા આવ્યું છે. જો કે આમા પણ ક્યારેક ડોકટરનું પાત્ર પણ જરૂરી બને છે.
-પી. કે. દાવડા