જ્યારે જ્યારે પૃથ્વી પર આસુરી વૃત્તિઓ માઝા મૂકે છે અને દુષ્ટ પ્રવૃત્તિઓ ફૂલેફાલે છે ત્યારે ધર્મ અને નૈતિક મૂલ્યોની સ્થાપના તથા રક્ષણ કરવા માટે ભગવાન કોઈ ને કોઈ રૂપે અવતાર ધારણ કરે છે. પ્રહ્લાદને ઉગારવા અને હિરણ્યકશિપુનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ વૈશાખ સુદ ચૌદશના દિવસે નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે-
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ।।
અર્થાત્ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે હું પ્રત્યેક યુગમાં ધર્મની સ્થાપના, સાધુ પુરુષોની રક્ષા અને દુષ્ટોના વિનાશ માટે અવતાર ધારણ કરું છું.
ભગવાન વિષ્ણુના આ બધા અવતારોમાં નૃસિંહ એ ચોથો અવતાર છે. આ વિષ્ણુ ભગવાનનો અદ્વૈત અવતાર છે.
નામ પરથી જ સરળતાથી જાણી શકાય છે કે નૃસિંહ એટલે નર અને સિંહનું યુગલ સ્વરૂપ. તેમનું સંપૂર્ણ શરીર મનુષ્યનું છે અને મુખ સિંહનું છે. બધાં જ પ્રાણીઓમાં નર એટલે કે મનુષ્ય બુદ્ધિમાં શ્રેષ્ઠ છે અને સિંહ બળ અને પરાક્રમમાં સર્વશ્રેષ્ઠ છે. તેથી જ ભગવાન શ્રીહરિ વિષ્ણુએ નર અને સિંહનું શ્રેષ્ઠતમ રૂપ ધારણ કર્યું. વાસ્તવમાં આ રૂપને ધારણ કરવા પાછળનું કારણ હિરણ્યકશિપુને બ્રહ્માજી દ્વારા મળેલું વરદાન હતું. જે મુજબ તે દિવસે ન મરે, રાત્રે ન મરે, દેવતા, દૈત્ય, મનુષ્યો, પશુ કે પક્ષીથી ન મરે, અસ્ત્ર-શસ્ત્રથી ન મરે, આકાશ, જળ કે પૃથ્વીમાં ન મરે. આમ તેનો વધ કરવો અશક્ય બન્યો. તેથી આ વરદાનની મર્યાદામાં રહીને હિરણ્યકશિપુનો વધ કરવા માટે ભગવાને નૃસિંહ રૂપમાં અવતાર ધારણ કરવો જરૂરી હતો.
બ્રહ્માજી દ્વારા વરદાન મેળવ્યા બાદ હિરણ્યકશિપુએ ત્રણે લોકોમાં હાહાકાર મચાવી દીધો. તે પોતાને જ ભગવાન કહેવડાવવા લાગ્યો. જોકે આખી દુનિયા હિરણ્યકશિપુને ભગવાન માનવા લાગી, પરંતુ તેનો પુત્ર પ્રહ્લાદ એક મોટો વિષ્ણુભક્ત હતો. હિરણ્યકશિપુના અત્યાચારોથી ત્રસ્ત થઈને દેવતાઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી કે અમને હિરણ્યકશિપુના ત્રાસમાંથી મુક્તિ અપાવો. ત્યારે બ્રહ્માજીએ તેમને ભગવાન વિષ્ણુ પાસે જવા જણાવ્યું. બ્રહ્માજી સહિત દેવતાઓએ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. તેનાથી પ્રસન્ન થઈને તેમણે બધાને આશ્વાસન આપ્યું કે તે અવશ્ય હિરણ્યકશિપુનો વધ કરશે.
નૃસિંહ અવતારની કથા
હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ ઋષિ કશ્યપ અને દિતિના પુત્ર હતા. જેમાંથી હિરણ્યાક્ષને ભગવાન શ્રીવિષ્ણુએ પૃથ્વીની રક્ષા કરવા માટે વરાહ રૂપ ધારણ કરીને વધ કર્યો હતો. પોતાના ભાઈના વધથી ક્રોધિત થઈને તેણે અજેય થવાનો સંકલ્પ કર્યો. સહસ્ત્રો વર્ષ સુધી તેણે કઠોર તપ કર્યું, તેના તપથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને અજેય થવાનું વરદાન આપ્યું. વરદાન મળતાંની સાથે જ તેણે સ્વર્ગ પર પોતાનો અધિકાર સ્થાપિત કરી દીધો. લોકપાલોની મારીને ભગાડી મૂક્યા અને સ્વયં સંપૂર્ણ લોકોનો અધિપતિ બની ગયો. તે હવે પ્રજા પર પણ અત્યાચાર કરવા લાગ્યો. આ જ દરમિયાન હિરણ્યકશિપુની પત્ની કધાયુએ એક પુત્રને જન્મ આપ્યો. જેનું નામ પ્રહ્લાદ રાખવામાં આવ્યું. એક રાક્ષસ કુળમાં જન્મ લેવા છતાં પણ પ્રહ્લાદમાં રાક્ષસો જેવા કોઈ દુર્ગુણ નહોતા. તે વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો અને પોતાના પિતાના અત્યાચારોનો પણ વિરોધ કરતો હતો.
વિષ્ણુ ભક્તિમાંથી પ્રહ્લાદનું મન હટાવવા અને પોતાના દુર્ગુણો ભરવા માટે હિરણ્યકશિપુએ ઘણાં પ્રયત્નો કર્યા, તેણે નીતિ-અનીતિ બધું જ અજમાવી જોયું, પરંતુ તે પ્રહ્લાદને તેના માર્ગ પરથી વિચલિત ન કરી શક્યો.
તેથી અસુરરાજ હિરણ્યકશિપુએ પોતાના વિષ્ણુભક્ત પુત્ર પ્રહ્લાદની હત્યા કરવા માટે ઘણાં પ્રયત્નો કર્યા, પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા. ભગવાન વિષ્ણુની કૃપાથી તે દરેક સંકટમાંથી બહાર નીકળી જતો. એક દિવસ અકળાયેલા હિરણ્યકશિપુએ પ્રહ્લાદને કહ્યું કે, “દુષ્ટ, ત્રણે લોક મારા નામથી થર-થર કાંપે છે. મારી પૂજા કરે છે, પરંતુ તું નિર્ભય બનીને મારો વિરોધ કરી રહ્યો છે. મને જણાવ, આટલી શક્તિ તારામાં ક્યાંથી આવે છે?
આ પ્રશ્ન પર પ્રહ્લાદે નિર્ભયતાથી કહ્યું, “ત્યાંથી જ મળે છે જ્યાંથી તમને મળે છે. તે ભગવાન છે. જે તમારા અને મારામાં છે. જે કણ-કણમાં વસેલા છે.”
આ સાંભળી ક્રોધિત થઈને હિરણ્યકશિપુએ કહ્યું, “તો શું તારા ભગવાન આ સ્તંભમાં પણ છે?” પ્રહ્લાદે ઉત્તર આપ્યો, “હા, તેઓ આ સ્તંભમાં પણ છે.” પ્રહ્લાદની વાત સાંભળીને અસુરરાજ હિરણ્યકશિપુએ તે સ્તંભ પર પ્રહાર કર્યો. ત્યારે સ્તંભમાં વિસ્ફોટ થયો અને ભગવાન વિષ્ણુ નૃસિંહ અવતારમાં પ્રગટ થયા. તેમનું માથું સિંહનું અને ધડ મનુષ્યનું હતું. ચહેરા પર ભયંકર ક્રોધ હતો. તેઓ સ્તંભમાંથી બહાર નીકળી આગળ વધીને અસુરરાજ હિરણ્યકશિપુને ઊંબરા સુધી ખેંચી ગયા અને ત્યારબાદ પોતાના ખોળામાં તેને ઉઠાવી લીધો. આ સમયે હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુ સામે પોતાને અસહાય અનુભવી રહ્યો હતો. તે જ વખતે તેને બ્રહ્માજી પાસેથી મળેલું વરદાન યાદ આવ્યું. તેણે બ્રહ્માજી પાસે માંગ્યું હતું કે, “ભૂમિ, જળ અને આકાશ એમ ક્યાંય મારો વધ ન થઈ શકે. હું ઘરની અંદર ન મરું અને બહાર પણ ન મરું. હું દિવસે ન મરું અને રાત્રે પણ ન મરું. કોઈ પણ દેવ, દૈત્ય, મનુષ્ય કે પશુ મારો વધ ન કરી શકે. વિશ્વનાં સમસ્ત શસ્ત્ર મારી આગળ વ્યર્થ થઈ જાય.”
ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીના વરદાનને સત્ય કરવા માટે નૃસિંહરૂપે અવતાર લીધો. તેમણે હિરણ્યકશિપુને કહ્યું, “અત્યારે તું ભૂમિ, જળ કે આકાશમાં નથી. તું મારી જાંઘો પર છે. તું ઘરની અંદર નથી કે બહાર પણ નથી. સૂર્યાસ્ત થઈ ગયો છે, પરંતુ રાત્રિ શરૂ નથી થઈ. તેથી દિવસ નથી અને રાત્રી પણ નથી. હું સંપૂર્ણ મનુષ્ય કે પશુ નથી, હું દેવ કે દૈત્ય નથી.” આટલું કહીને તેમણે પોતાના નખ વડે હિરણ્યકશિપુની છાતી ચીરીને તેનો વધ કરી દીધો. હિરણ્યકશિપુનો વધ કર્યા પછી પણ તેમનો ક્રોધ શાંત ન થયો ત્યારે બ્રહ્માજીએ લક્ષ્મીજીને બોલાવ્યાં કે જેથી ભગવાન શાંત થાય, પણ ભગવાન વિષ્ણુ (નૃસિંહ)નો ક્રોધ જોઈને તેઓ વૈકુંઠ પાછા ફર્યા. તેથી બ્રહ્માજીએ વિષ્ણુ ભક્ત પ્રહ્લાદને ભગવાન નૃસિંહ પાસે મોકલ્યો અને કહ્યું કે, “આ સ્થિતિમાં તું જ ભગવાન વિષ્ણુને શાંત કરી શકે એમ છે.” પ્રહ્લાદે નૃસિંહ ભગવાનની નજીક જઈને બે હાથ જોડી તેમની સ્તુતિ કરી. તેનાથી ભગવાન નૃસિંહનો ક્રોધ શાંત થયો. પછી તેમણે પ્રહ્લાદને ઉઠાવીને પોતાના ખોળામાં બેસાડયો અને તેને સ્નેહ કરવા લાગ્યા.