“એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’,
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.”
પ્રેમ, ફક્ત અઢી અક્ષરનો આ શબ્દ છતાં પણ જેમ મહાન ગઝલકાર મરીઝ સાહેબએ કહ્યું એમ તેના પુરાવા હજાર છે. હું કોઈ પ્રેમ વિશે જ્ઞાન વેંચવા નથી નીકળી પડ્યો ના તો કોઈ એક પ્રેમ કહાની વિશે ચર્ચા કરવી છે. વાત મૂળ એ છે કે એ હજાર પુરાવા છે છતાં પણ એ પુરાવાથી, એ પ્રેમથી એલર્જી કેમ છે? પ્રેમમાં એલર્જી! કેમ નવાઈ લાગે છે? માણસો વર્ષોથી એક જ રાગ તો આલાપે છે કે પ્રેમ એક રોગ છે તો એમાં એલર્જી હોવાની જ ને!
એ એલર્જી છે પ્રેમને ના સમજવાની, ના સમજવાની વાત અહીં થઈ રહીં છે લોકોની. વર્ષોથી પ્રેમ સારસ્વત છે અને ભવિષ્યમાં પણ પ્રેમ એવો જ રહેશે છતાં પણ અમુક ગૂઢ બુદ્ધિ ધરાવનાર લોકો આજે પણ પ્રેમનો વિરોધ કરે છે. હા, કદાચ એમના વિચારો પ્રેમને સમજી શકતા નહીં હોય પણ એ વિચારોમાં એ હદે એલર્જી લાવી દેવી કે પ્રેમને એક રોગ તરીકે સાબિત કરીને બતાવવો જ છે.
આ એલર્જી આજકાલથી જ ફેલાઈ છે એવું નથી, આ તો એક એવી મહામારી છે જે પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ પણ સહન કરી છે. ભગવાન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત શ્રીદામા, ભક્તિમાં એટલો અંધ થઈ ગયો કે પોતાના જ આરાધ્યના પ્રેમને રોગ સમજી બેઠો અને ભગવાનને જ શ્રાપ આપી દીધો કે સો વર્ષો સુધી રાધાકૃષ્ણ, રાધા અને કૃષ્ણ બનીને રહેશે. આ રોગનો અંત અહીં જ નથી આવતો એ પછી તો કેટ કેટલા ષડયંત્ર રચાયા એ પવિત્ર પ્રેમને દૂષિત કરવા માટેના. પ્રેમનો સંદેશ આપવા આવેલા ભગવાન શ્રી કૃષ્ણ ખુદ તેના જ દિકરા સાંભના પ્રેમ માટેના કુવિચારોથી પીડિત હતા, સાંભ એ હદે પ્રેમને નફરત કરતો કે તે એવાં એવાં ષડયંત્ર રચતો ગયો કે પ્રેમ આ દુનિયામાંથી જ વિલ્લીન થઈ જાય. પ્રેમને હમેશાં એક મિલીન નજરથી જ જોવામાં આવે છે, દરેક પ્રેમ કહાનીમાં કોઈ ને કોઈ અડચણ જોવા મળે જ છે એનું કારણ એક જ છે કે પ્રેમને જટિલ સમજી લેવામાં આવ્યો છે જે હકીકતમાં છે ખૂબ જ સરળ પરંતુ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને સરળ વસ્તુ ક્યાં પસંદ છે? મને ઘણીવાર વિચાર આવે કે શ્રી કૃષ્ણ તો ભગવાન હતા તો પણ એમણે આટલો વિરહ કેમ સહન કર્યો હશે? એનો ફક્ત એક જ જવાબ છે પ્રેમને દૂષિત જો કરવામાં આવે છે તો એને પવિત્ર કરવા માટે એ બે પ્રેમીઓએ જ ઝંખવું પડશે.
આ એલર્જી ધીરે ધીરે હવે ઘર ઘરમાં પગ પેસારો કરતી જાય છે. આજના સમયમાં યુવક કે યુવતી જો સામન્ય પણ કોઇની સાથે વાત કરે છે તો એને એ શંકાની નજરથી જ જોવામાં આવે છે. અમુક રાજકીય પક્ષો તો આ પ્રેમ પર રોક લગાવવા માટે જાહેરમાં હિંસા પર ઉતરી આવે છે. એ પ્રેમીઓને ભર બજારમાં મારવામાં આવે છે કે મોઢું કાળું કરવામાં આવે છે. જો એ રાજકીય પક્ષોને આ બાબતે પૂછવામાં આવે તો એવું કહે છે કે આ આપણી ભારતીય સંસ્કૃતિને ખિલાફ છે, આ આપણી સંસ્કૃતિ નથી. આ એ જ લોકો છે જે ફિલ્મોમાં આવતા પ્રેમના દ્રશ્યો ઝુમ કરી કરીને જોતાં હોય છે, હવે એ લોકોને કોણ સમજાવે કે ભારતીય સંસ્કૃતિના મૂળમાં જ પ્રેમ છે પણ એ લોકોને એ હદે પ્રેમથી એલર્જી છે કે પ્રેમને કઈ નજરે જોવો એ સમજી નથી શકતા.
પ્રેમને એલર્જી સાબિત કરવા પાછળ આજના યુવક યવુતિઓ પણ સંપૂર્ણપણે જવાબદાર છે. મારા પરમ મિત્ર અને યુવા લેખક દીપભાઈ ગુર્જર એમના એક લેખ “પ્રેમીલી યુવાપેઢી” માં એ જ સમજાવે છે કે મૂછનો દોરો ફૂટ્યો નથી અને પ્રેમ કરવા નીકળી પડે છે. પ્રેમને સમજ્યા વગર એના વિશે જાણ્યા વગર શાળા અને કોલેજમાં એની ડંફાસો મારવી, ખાસ કરીને જે છોકરી નીકળી એને એમ કહેવું કે આ તારી ભાભી છે. આવા સમય વ્યર્થ કરવાના પ્રેમને કારણે પ્રેમ આજે વધુ ને વધુ એલર્જી તરીકે ઓળખાવા લાગ્યો છે. પ્રેમમાં એક લાગણીની જગ્યાએ અશ્લીલતા સમાવી દેતા એ એક ભયંકર રોગ બની ગયો. આ કોઈ પ્રેમ નથી એલર્જી જ છે કારણ કે પ્રેમ આજે સવારે થયો, બપોરે પ્રસ્તાવ મૂક્યો, સાંજે સાથે કોફી પીધી અને રાત્રે સહવાસ માણ્યો અને બીજા દિવસે અડી અડીને છુટ્ટા જેવી પરિસ્થિતિ. પ્રેમનો અર્થ આજે બસ આટલો જ રહ્યો છે, પ્રેમ એટલે સેક્સ મેળવવાનું એક હલકું સાધન.
પ્રેમમાં ક્યારેય કોઈપણ રીતે જાતિ, ઉમર, દેખાવ આ બધુ માન્યમાં લેવામાં જ ના આવતું, આજે પ્રેમ સજાતીય પણ છે અને વિજાતીય પણ છે. હવે, તો આપણાં દેશમાં પણ સજાતીય પ્રેમને પૂરેપૂરી મંજૂરી છે છતાં પણ એ પ્રેમનું સમર્થન ફક્ત અને ફક્ત સોશિયલ મિડિયા પૂરતું જ સીમિત છે. એવો જ કોઈ સજાતીય પ્રેમ આપણાં જ પરિવાર કે ફ્રેન્ડ સર્કલમાં કોઈનો જોવા મળે તો એ એલર્જી બની જાય છે. એ કપલને તિરસ્કારભરી નજરથી જોવામાં આવે છે. હજી આપણે એ લેવલ સુધી નથી પહોંચી શક્યા કે આપણે પ્રેમને પ્રેમ જ સમજીએ, માણસો હજી પણ પ્રેમને જાતિ, ઉમર અને દેખાવ સાથે જોડે છે.
ઇતિહાસમાં આવી કેટ કેટલી પ્રેમ કહાનીઓ થઈ ગઈ કે જેમણે પોતાના પ્રેમ માટે આકરું બલિદાન આપ્યું હોય. અંગ્રેજી સાહિત્યના મહાન કવિ ઓસ્કાર વીલ્ડ એક સજાતીય પ્રેમમાં હતા, એમના સમયમાં એના દેશમાં પણ સજાતીય પ્રેમને મંજૂરી ના હતી છતાં પણ તેમણે એ પ્રેમ સંબંધ બાંધ્યો અને એ પ્રેમ સંબંધને કારણે સાહિત્યની દુનિયામાં એમણે અખલૂટ ખજાનો આપ્યો. પંદરમી સદીમાં શહેનશાહ અકબરે પણ રાજપૂત સાથે સંધિ ખાતર જોધાબાઈ સાથે લગ્ન કર્યા પણ જોધા અને અકબરની પ્રેમ કહાની આજે પણ ફારસી, હિન્દી અને બીજી ઘણી ભાષાઓમાં લખાયેલી છે. આઈને – અકબરા એ અક્બરનું આત્મકથાખંડ છે તેમાં ઘણા અંશોમાં અકબર અને જોધાબાઈના પ્રેમની વાતો થયેલી છે. એમનો જ એક પ્રખ્યાત કિસ્સો છે કે જોધાબાઈએ જ્યારે અકબરને મનથી પતિ માન્યા ત્યારે તેમણે અકબર માટે ઉર્દૂ શીખવાનું શરૂ કર્યું અને બન્ને પોતાના પ્રેમની વાતો ઉર્દુમાં જ કરતાં.
જેમ મે ઉપર દર્શાવ્યું કે પ્રેમ આજકાલ સેક્સનું એક માધ્યમ બની ગયું છે તો દુનિયાભરમાં એવી ઘણી પ્રેમ કહાની છે કે જેમાં ફક્ત પ્રેમ જ હતો સહવાસ નહીં. એવી જ એક વાત છે નોબેલ વિજેતા ફીઝીસીસ્ટ રિચાર્ડ ફેઈનમેન અને એર્લીનની, બન્ને ખૂબ જ એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતાં પરંતુ એર્લીનને ગળામાં એક લમ્પ થયો અને તે ખૂબ થોડા દિવસની મહેમાન હતી છતાં રિચાર્ડએ તેને ખૂબ પ્રેમ કર્યો તેની સાથે લગ્ન કર્યા અને લગ્નના અઢી વર્ષ પછી તે બન્નેએ સહવાસ માણ્યો. એ સહવાસ દરમિયાન પણ રિચાર્ડ ખૂબ ચિંતામાં હતા કે એર્લીનની મૃત્યુ ના થઈ જાય અને એર્લીનને એ દુ:ખ હતું કે તે કદાચ રિચાર્ડને હવે ખુશ નહીં કરી શકે. આવો પ્રેમ જ્યારે મળે છે ત્યારે એ પ્રેમમાં કોઈ એલર્જી કામ કરતી નથી.
પ્રેમને ઉમર સાથે સરખાવવામાં આવે છે તો એવું ક્યાં શાસ્ત્રમાં લખાયેલું છે કે પ્રેમ માટે છોકરી છોકરા કરતાં નાની હોવી જોઈએ કે છોકરાની ઉમર આ પ્રમાણે હોવી જોઈએ. પ્રેમમાં એલર્જી ફેલાવવા માટે આ ઉમરને લાવવામાં આવે છે. જો પ્રેમમાં ઉમરને જ ગણવી હોય તો ફરીથી રાધાકૃષ્ણના ઉદાહરણને જોઈ લો કે જેમાં રાધાને આજીવન એક કુમારી બની રહેવાનું વરદાન મળેલું જ્યારે શ્રી કૃષ્ણ સમય જતા વૃદ્ધ થતાં ગયા તો શું બન્નેના પ્રેમમાં કોઈ ઉણપ આવી ગઈ?
આવી અગણિત પ્રેમ કહાનીઓ વિશ્વ સાહિત્યના ખૂણે ખૂણે જોવા મળશે જેમાંથી ફક્ત આપણે એટલું જ શીખી શકીએ કે પ્રેમમાં એલર્જી તો ઘણી છે અને આવશે પણ પ્રેમને જો ઓળખીને કરીએ તો દરેક એલર્જીની દવા છે.
પ્રેમ માટે ફરીવાર મરીઝ સાહેબનો એક શેર જે વાહ વાહ અવશ્ય માંગી લે,
“તમે છો પ્રાણ મારા…. કોઈને એ કેમ કહેવાય?
આ બાબત આટલી અંગત છે કે ચર્ચા થઈ શકતી નથી.”
સુનિલ ગોહિલ “માસ્તર”