(બે વર્ષ પછી..)
“કેમ છે દોસ્ત ?” પર્વ કેફેનું બારણું ખોલીને અંદર આવે છે અને ટેબલ ઉપર બેઠેલા પાર્થની પીઠ ઠપકારતા ઠપકારતા બોલે છે.
“અરે પર્વ. તું આવી ગયો. મારે તો મોજે દરિયા છે. તું કહે તને કેમ છે ?”
“બસ ભાઈ બૌ મજા છે. સાચે તારે નોકરી કેવી ચાલે છે ?”
“બસ જોરદાર. જો આજે ગમે તેમ કરીને રજા લઈને આવ્યો છું. વિચાર્યું કે આપણે છેલ્લા એક વર્ષથી મળ્યા નથી તો એક મુલાકાત કરીએ.”
“હા, આજે મારે પણ એમ જ થયું. મારો બોસ કામ જ એટલું કરાવે કે ઘણીવાર તો રાત્રે ઘરે પહોંચતા પણ મોડું થઈ જાય.”
“હા, ભાઈ પર્વ. તારે તો ચાલે ઘરે મોડો પહોંચે તો ! મારી જેવાને તો ઘરે સાક્ષાત દેવી ઉભી હોય ! કેમ મોડું થયું ના પ્રશ્નથી મારી ધૂળ કાઢી નાખે.” આવું બોલીને પાર્થ હસવા લાગ્યો.
“હા હા, તમે લગ્ન કરેલા લોકો કેવાવ ને. જો મને જો, સિંગલ રહેવાના કેટલાં ફાયદા !”
“બસ કર. હવે તો તારે પણ હદ થઇ ગઇ. હમણાં આપણા ગામમાં ગયો હતો તો તારા પપ્પા મળ્યા એણે મને કીધું કે પર્વ માટે છોકરી જોઈએ છીએ. બસ પર્વ હા કહી દે.”
“હા પાર્થ, ઘરેથી તો હવે બહુ કહે છે. લગ્ન કરી લે લગ્ન કરી લે. હવે તો તું સેટ પણ થઈ ગયો છે અને ઉંમર પણ થઈ ગઈ છે.”
“તો ભાઈ કરી લેને હવે રાહ શેની ?” પાર્થે પર્વને પ્રશ્ન પૂછ્યો.
“ના ભાઈ. હજુ હમણાં નઈ. હજુ થોડું વધારે સેટ થવું છે.”
“તું નઈ માને કોઈનું. કોલેજમાં પણ તું મારું ના માનતો અને અત્યારે તો શું મારું માનવાનો.”
“એવું નથી ભાઈ પાર્થ. બાકી બોલ, ઘરે બધા કેમ છે? ભાભી કેમ છે?”
“કોઇ દિવસ આવે તો ખબર હોય ને તને! કોઇ દિવસ ઘરે પણ નથી આવવું તારે.”
“અરે યાર સમય જ નથી મળતો. ઘરે ગયો એને પણ ત્રણ મહિના વિતી ગયા. ઓફિસમાં બહુ કામ આવે છે.”
“બસ બસ. તું એક જ કામઢઑ. અમારે તો કંઈ કામ જ ના હોય ને!”
“ના ના એવું નથી યાર. ચાલ છોડ એ બધું.”
“ઓકે. હા, સાચે તને શ્રીયા મળી કે શું? કોલેજ માંથી છૂટા પડ્યા પછી એ કોઈ જગ્યાએ દેખાય જ નથી. પાર્થે પર્વને શ્રીયા વિશે પૂછ્યું.
“ના ભાઈ, એ મને પણ નથી મળી. મે એને કોલ પણ ઘણા કર્યા પણ એને નંબર જ બદલી નાખ્યો છે. કોને ખબર કઈ દુનિયામાં હોય એ!” પર્વ ધીમા અવાજે બોલ્યો.
“પર્વ, સાચું કહેજે તને પ્રેમ હતો ને એના પ્રત્યે !?”
“હા ભાઈ પણ શું કરવું. પરિસ્થિતિ જ ત્યારે એવી હતી કે મેં એને કંઈ ના કીધું. અને પછી કંઈ વાત ના થઇ શકી. આજે તો કોને ખબર એ ક્યાં હોય?”
“હા, પર્વ. એ તો ભગવાન જે ધારે એ જ થાય.”
“હા. હવે તો છેલ્લે એવું જ વિચારવાનું રહ્યું ને. કંઈ ન મળે એટલે ભગવાન ઉપર ઢોળી દેવાનું !”
“બીજું તો શું કહું હું પર્વ તને! જો શ્રીયા તને મળવાની હશે તો તને મળીને જ રહેશે. પણ એક વાત તને કહેવી છે આજે. ભલે તને ભાષણ લાગે! પણ સત્ય કહું તો બહુ ઊંડું છે.”
“શું બોલ?”
“હવે તું લગ્ન કરી લે. ઘરે તારા મમ્મીને પણ સહારો મળી જાશે. અને તારા પપ્પાને પણ હાશકારો થઈ જાશે કે મારો દીકરો હવે પોતાના જીવનની સફર પર ચડી ગયો છે. આમ જીવનમાં એકલું રહીને સેટલ થવું જ મહત્વનું નથી, બાજુમાં કેટલાક સંબંધો પણ મહત્વના હોય છે. તું હવે આ વાત ઉપર થોડું વિચાર અને લગ્ન કરી લે યાર. આમ એકલો ક્યાં સુધી જીવીશ!”
“જોઉં છું, હમણાં ઘરે જવાનો છું. મમ્મી પપ્પા શું કહે છે! એ બધું જોઉં અને પછી કંઇક વિચારું. અને આમપણ મને મારે જે જોઈએ એ સંબંધ તો મળ્યો જ નથી ને! તો હવે મમ્મી પપ્પાની પસંદ સાથે બીજુ તો શું!” આવું બોલી પર્વ ઊંડા વિચારમાં ડૂબી ગયો.
“બસ ભાઈ, હવે બહુ ના વિચાર. યોગ્ય રીતે શાંતિથી વિચારજે. અને કોઈ ના મળે તો મને કહેજે આપણે કૉલેજનો એક ચક્કર કાપીશું..” આવું બોલી પાર્થ હસવા લાગ્યો.
“હા.. હવે એ કરીએ બીજું શું.” પર્વ એ પાર્થની વાતમાં હામી પૂરી.
“શું કહે તારી નોકરી? પગાર કેટલો આપે ?” પાર્થે પર્વને નોકરી વિશે પૂછ્યું.
“શું ભાઈ પગાર ! આટલી મોંઘવારીમાં ખાલી ૪૦ હજાર આપે.”
“ભાઈ બહુ કહેવાય એટલા તો. મને તો ૩૫ હજાર જ મળે છે અને એમાં પાછો મારો પરિવાર મોટો.”
“બસ જો, પાર્થ. હવે કંઇક નવું કરવું છે નોકરીમાં. વિચારો તો ઘણા છે પણ એ બધું સેટ થતાં થોડો સમય માંગી લે એવું છે.”
“અચ્છા. કંઈ નહિ. કંઈ પણ મદદ જોઈએ તો અચકાયા વગર બોલજે. આપણે તો નવમા ધોરણથી સાથે..” આવું બોલી પાર્થ હસવા લાગ્યો.
પર્વ એ હસતા હસતા કહ્યું, “હા ભાઈ. આપણી આ દોસ્તી પણ કમાલની છે.”
“સારું તો ચાલ, પાછા જલ્દી મળીશું. હવે રજા લઈએ.”
“હા, વાંધો નહિ. ફોન કરતો રહેજે.” પર્વએ પાર્થને કહ્યું.
(ક્રમશઃ)
દીપ ગુર્જર