આજે એ દિવસ હતો જ્યારે મે તને પહેલી વાર જોઈ હતી અને મનોમન નક્કી કરી લીધું હતું કે લગ્ન તો તારી સાથે જ કરીશ. મનોમન મારા એ વિશ્વાસે મે તને આ દિવસે પ્રપોઝ કરી અને આમ જો આ એ દિવસ આવી ગયો કે મારી સપનાની રાની મારી દુલ્હન બની. આહા માય ડીયર વાઈફ ખબર જ ના રહીં કે લગ્ન ને એક વર્ષ વિતી ગયું અને તે મને ભેટ સ્વરુપે તારી પ્રેગનન્સીના સમાચાર આપ્યા. અલે..અલે.. આમ જો તો ખરી આ કેટલી ક્યુટ છે, થેન્ક યું સો મચ મને મારું અસ્તિત્વ આપવા માટે. આજે તો ઢીંગુનો પહેલો જન્મ દિવસ છે આમ જો તો એ કેક કેવી ખાય છે…
“પપ્પા.. હવે હદ છે હો દર વર્ષની જેમ આજે પણ તમે મને વીશ નથી કરતા.. આ આલ્બમમાં એવું શું છે કે તમે મારો દસમો જન્મ દિવસ પણ ભૂલી ગયાં. જો મમ્મી હોત ને તો સૌથી પહેલા મને વીશ કરવાનું કામ જ કરેત.” ઢીંગુએ અંધારમય રુમમાં અજવાળું કરી મોઢું ચડાવીને કહ્યુ.
પપ્પાએ આલ્બમ બંધ કર્યો અને તેની વ્હાલી દિકરી ને ગળે લગાડતા કહ્યુ, “મમ્મી આજે પણ સૌથી પહેલા તને જ વીશ કરે છે.”
સુનિલ ગોહિલ “માસ્તર”