બધું બદલાઇ ગયું ,ભૈ ! પહેલાં જવું નૈં !!
હવે દર તહેવારે ને વહેવારે એવું લાગે ય છે ને બોલાય પણ છે. અલબત્ત, બોલનારા ને સાંભળનારા એક જ વયજૂથનાં છે. નવી પેઢી એમાં નથી. એને એ માટે સમય નથી, એમાં રસ નથી. એમનાં રસઋચિ જૂદાં છે. અને જેની વાત થાય છે એ ” અસલ ” એમણે જોયું , જીવ્યું નથી એ જાણીને શું કરવું ?
ઉતરાણમાં પતંગ ઉડાડવાનો ને પકડવા દોડવાનો આનંદ નાતાલથી જ શરુ થઇ જતો. સ્કુલેથી આવતા પતંગ જોતાંને પકડવા ય દોડતાં. શનિ રવિએપતંગ ઉડાડતાં. નાની હાટડીઓ લાગતી . પીલ્લુને લચ્છામાં દોરી વેચાય. કોઇકે ગઇ ઉતરાણની ફિરકી સાચવી રાખી હોય . પણ એ વડિલ પાસેથી માળિયેથી ઉતરાવવી સહેલું ન્હોતું. વડિલો આ આગોતરી ઉજવણીના ઉત્સાહને ” ગાંડપણ ” કહેતા, પણ બહુ વાંધો ય ન લેતા કારણકે એ ય ઓછા શોખીન ન્હોતા.
ઉતરાણની રાતે ઉંઘ ન આવતી હોય એવા ઘણા હતા. કિન્યા બાંધીને , પહેલા પસંદગીના પતંગ સાથે ફિરકી બાંધી પથારી પાસે રાખીને સૂવા મથતા . લગભગ યુદ્ધનીતૈયારી કરતા સૈનિકની માનસિકતા. ” એ કાટ્ટા..” ના ભણકારા વચ્ચે આછા અંધારે ઉઠીને અગાશીમાં દોડતા બાળકોને વડિલો ધમકાવીને પાછા સૂવાડી દેતા પણ એ સંયમ લાંબુ ન ટકતો..!
આજે હવે આવું કૈં નથી. વ્હેલા ઉઠીને ધાબે ચડવાનો ઉત્સાહ નવી પેઢીમાં નથી. કોઇની બૂમ સંભળાય ” એ લપેટ ..” પછી ય નહીં .
એક વાતનો ઉત્સાહ હજી ય છે, સરસ તૈયાર થઇને ધાબે જવાનો. કોઇના બાઇનોક્યૂલરની રેન્જમાં આવવાનીરમ્ય શક્યતાનો. નાસ્તા-પાણીનો આનંદ છે પણ પીણાના પ્રકાર શોખ મુજબ !
એ ય એક વાતનો આનંદ છે કે હજી ઊંધિયું-જલેબી રાજ કરે છે. નવી પેઢીના પાસ્તા પિઝા સામે એ ટક્યા છે કારણકે હજી આગલી પેઢી સક્રિય છે. નવીપેઢી ્ આ કૂથાનું કામ નથી ગમતું. કેટલાક ઘરોમાં તૈયાર ઊંધિયું આયાત થવા ય લાગ્યું છે. પતંગોત્સવમાં ધાબા ને રસોડા વચ્ચેની દોડધામ ઘટી છે. ગૃહિણી હરખાય પણ છે ને પોતાના હાથના સ્વાદની monopoly તૂટવાથી દુ:ખી પણ ..!
બાકી નવી પેઢી આ પતંગકલામાં રસ નહીં લે તો ….એ..લપેટ ..!!!
શ્રી તુષાર શુક્લ