“મમ્મીજી, તમે સમજતા નથી. આ રેયાંશનું ભણવાનું દિવસેને દિવસે બગડતું જાય છે. ગઈકાલે જ આના ટ્યુશન ટીચરનો ફોન આવેલો કે રેયાંશનું રિઝલ્ટ ડાઉન ગયું છે અને આજે સવારે મારે સ્કૂલે જવું પડ્યું કારણ કે ત્યાં પણ રેયાંશના તોફાનોની ફરિયાદોની મસમોટી યાદી હતી, ઉપરથી સુજીત પણ અહીંયા છે નહીં, એમને આજે બપોરે ફોન કર્યો તો મને જ સામું ખિજાણા, એકતા, મારે અહીંયા કામની ખૂબ મગજમારી ચાલે છે તું પ્લીઝ આમ ઘરનો કકળાટ ના કર. એમનું પણ ટેન્શન છે, આ કોરોનાકાળમાં એમની નોકરી પર પણ પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું છે, આ મહીનાંનું લાઇટબિલ બાકી છે, કાલે દૂધવાળાને પૈસા આપવાના છે, રેયાંશને હજી હોમવર્ક કરાવવાનું છે, તમને કાલે ડૉક્ટર પાસે લઈ જવાના છે, આટલું કામ છે ને મમ્મી કે મને મારી જીંદગીનું ચિત્ર સાવ ધૂંધળું જ દેખાઈ છે, કેટલા દિવસ થઈ ગયા રાત્રે સરખી ઊંઘ નથી આવી.”
“પૂરું? બોલી લીધું? હવે હું એક મસ્ત રસ્તો બતાવું? તારું બધુ જ ટેન્શન એક જ છીંકમાં ગાયબ.” સાસુએ કહ્યું.
“શું આવું કઈ રીતે શક્ય છે કે એક છીંકથી બધુ ટેન્શન દૂર.”
“આ એક હસવું આવે એવો જ પ્રયોગ છે પણ હું નાની હતી ત્યારે મારા પિતાજી મને આવું કહેતા મરી પાવડરને નાકના એક નસખોરા પાસે રાખ અને જીવનના દરેક દુખ અને ટેન્શનને છીંક આવે એ સાથે બાર ફેંકી દે અને પછી જો મન કેટલું હળવું હળવું થઈ જશે.”
એકતાને તેના સાસુની વાતનો મર્મ સમજાઈ ગયો અને એણે એક છીંક સાથે ધૂંધળું જીવન ચોખ્ખું કર્યું અને સુંદર મજાની ઊંઘ કરી એક નવી ઉર્જા સાથે બીજા દિવસની શરૂઆત કરી.
સુનિલ ગોહિલ “માસ્તર”