માનવીની મહામૂલી મિરાત.. મીઠી મધુરી મહા મંગલકારી માતૃભાષા.
માતૃભાષાના મધુવનમાં મુરલીધરના મોહક મુખારવિંદમાં મલકતી મુસ્કાનની મીઠી મધુરી મુલાકાત મળે. મનના માણીગરની મોરલીની મીઠી મધુરતા મંદ મંદ મલયમાં મલકતી મળે. માતૃભાષાના મનોજગતમા મહેશ્વર, મહાદેવીના મહામૂલા મંત્ર મળે. માતૃભાષાની મુસાફરીમાં મળે મોહક મંઝિલ, મૌલિક માનસિકતાથી મંગલોત્સવ મનાવતો મસ્તરામ મસ્તાનો મોજીલો મુસાફર.
માતૃભાષાના મમતાળુ મૈયરમાં મળે મમતાની મૂરત, માવડીની મધુરતમ્ માયા. માતૃભાષાના માયાળુ મોસાળમાં મળે મોટી મા, મામા મામી, માસી માસાના મયાજગતના મધુરાં મુલાયમ માખણ મિસરીની મીઠાશ. માતૃભાષાની મિત્રતામાં મળે મનની મોકળાશ, મોજ મસ્તીના માહોલમાં મિત્રોની મહેફિલમાં મજિયારી મુલાકાતનો મલપતો મારગ. માતૃભાષાની મૌલિક મઢુલીમાં માનવંતી મુલાકાતમાં મહેમાનગતિમાં મબલખ મઘુરપની મ્હેક મલકે.
માનવીના મન મંદિરમાં માતૃભાષાની મહા મંગલકારી મૂરત મળે. માતૃભૂમિનું મમત્વ, માટીની માયા, માતૃત્વની મહાનતા મઢેલી મલકતી મૂરત. માતૃભાષાથી મનમાં માણસાઈ મઢાય, મધુરાધિપતેની મ્હેર મળે, માનવ મોહનની મોહક મધુરતા મેળવે. માતૃભાષાના મોંઘા માણેક, મહામૂલા મોતીથી મઢાયેલ મૂલ્યવાન માનસિક મિરાત માનવીને મળે.
માનવીના મસ્તિષ્કમાં મડાગાંઠ મંડાય, મહામુશ્કેલીમાં મુકાયેલ માણસ મુંઝાય, મનોમંથનમાં માતૃભાષાની માનસી મિલકતની મૌલિકતાથી મુક્તિનો મારગ મળે. માતૃભાષાના મોંઘેરા મલકમાં મેધાવિનીને મનવાંછિત મહેચ્છા માટે મિલન મંત્ર મળે. મિહિર, મયંક, મરૂત, મયંદ, મયુર, મયુરી મલપતા મલપતા માતૃભાષાની મજીયારી મહેફિલમાં મલકે. માણસ માટે માતૃભાષા મહામૂલી મિરાત, મૂલ્યવાન માનસિક મૂડી.
મમતામયી માવડીની મંગલમયી મોહક મોહિની મૂરત.
ચેતના ગણાત્રા