વિનિવેશ અને ખાનગીકરણના એજન્ડાને વેગ આપતાં ભારત સરકાર હવે મહારાજા તરીકે પ્રખ્યાત તેની એરલાઇન્સ એર ઇન્ડિયાને સંપૂર્ણપણે વેચી દેવાનો નિર્ણય લઈ ચૂકી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ શનિવારે જાહેરાત કરી હતી કે સરકાર પાસે હવે ક્યાં તો એર ઇન્ડિયાને વેચી દેવા અથવા તો સંપૂર્ણપણે બંધ કરી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તેથી એક ઇન્ડિયાને ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણપણે ખાનગી કંપનીને વેચી દેવાશે.
હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાનું ૧૦૦ ટકા વિનિવેશ કરાશે. એર ઇન્ડિયા ફર્સ્ટ રેટ આસેટ કંપની ગણાય છે પરંતુ તેના માથે રૂપિયા ૬૦,૦૦૦ કરોડનું દેવું છે. અમે અમારી પાટી કોરી કરી લેવા માગીએ છીએ એટલે કે અમે હવે સરકાર પર કોઈ દેવું રાખવા માગતા નથી. પુરીએ જણાવ્યું હતું કે, દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ફ્લાઇટની સેવાઓ પર કાપ મૂકવાની સરકારની કોઈ યોજના નથી.
હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા પર અત્યારે રૂપિયા ૬૦,૦૦૦ કરોડનું દેવું છે. વર્ષ ૨૦૦૭માં એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સનું વિલીનીકરણ કરાયા પછી એરલાઇન્સ સતત ખોટ કરી રહી છે. હવે મે ૨૦૨૧ના અંત સુધીમાં એરલાઇન્સના નવા માલિકની જાહેરાત થઈ જશે.
VR Sunil Gohil