મારી પહેલી તે પ્રીતનો
મ્હોર્યો પારિજાત,
ઝૂકી ઝૂકી ઉરને આંગણ
કરતો સુગંધભરી વાત,
– મારી પહેલી …
ફૂલ ફૂલની ફોરમ લઇને
વહેતા મનના વાયુ,
હૈયાના ધબકારા કહેતા :
‘લોચન કોક લપાયું;’
ચેન નહીં દિવસના, વીતે
વસમી સપને રાત :
– મારી પહેલી …
પ્રાણ તણી વીણાના તારે
ગૂંજે ગીત અજાણ્યાં,
વ્યાકુળ ઉરના મધુર અજંપા
મન ભરીને માણ્યા;
ઊઠી મારા પ્રીત-પટોળે
મોરપિચ્છની ભાત :
– મારી પહેલી …
– જયંત પલાણ