જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ’મેહુલ’ અહીં
જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં
સુરેન ઠાકર ‘મેહુલ’
જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
સુરેન ઠાકર ‘મેહુલ’
એક વિતેલા સમયની પળને પંપાળું જરા
ફૂલની છે આંખ ભીની સહેજ એ ખાળું જરા
લાવ, ચાદર ઓઢીએ આ રાતના અંધારની
સ્વપ્નના સૂરજથી મારી ઊંઘ અજવાળું જરા
ગોપાલ શાસ્ત્રી
પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું
તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી
રજૂ કરવા હ્રદયના દર્દને મથતો હતો એ તો
વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી
મનહરલાલ ચોકસી
જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દ્રષ્ટિકોણ છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું
મનહરલાલ ચોકસી