વાયરાની હેલે હું તો રેલાતી જાઉં ‘ને,
વાયરો અડ્યાનો મને વહેમ થાય,
બોલને મોરી સૈયર, વાતે વાતે બળ્યું,
સાહ્યબો અડ્યાનું મને કેમ થાય?
વાયરાની હેલે હું તો….
પથરાને ગોફણીયે ઘાલી ઉછાળું,
કે માટીમાં કરૂં રે કુંડાળું,
કેમે ય કરીને વાટ ખૂટે નહીં ને તોયે,
ચાલવાનું લાગે રે હૂંફાળું,
ઉભે રે શેઢે હું તો તણાતી જાઉં ‘ને,
કમખાની કોર આમ તેમ થાય,
વાયરાની હેલે હું તો…
સુંવાળા સગપણનું ગાડું રે હાંકુ,
મોલ શમણાંનો લણતાં રે થાકું,
વાયદાને આંખમાં કે મુઠ્ઠીમાં રાખું,
તો યે વાતેવાતે પડતું એને વાંકુ,
રૂમાલની ગાંઠે હું તો ગૂંથાતી જાઉં ‘ને,
લોક કે’તા કે આને તો પ્રેમ થાય..
વાયરાની હેલે હું તો….
ગગુભા રાજ