સમજણ પરિવારમાં,મિત્રતામાં,પ્રેમમાં અને ખાસ કરીને લગ્ન જીવનમાં સમજણનો ભાગ બહું મહત્વનો હોય છે. પ્રેમ પર તો આજે ઘણું બધું લખાય છે,બોલાય છે અને વંચાય છે પણ એક સુખી લગ્નજીવન માટે પરસ્પર સમજણ હોવી ખૂબ જ જરૂરી હોય છે પણ તેના પર બહુ જવલ્લે જ ચર્ચા થાય છે.
આજકાલ પ્રેમ લગ્ન કરવાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે પણ તેની સાથોસાથ પ્રેમ લગ્ન કર્યાનાં એક વર્ષ કે બે વર્ષમાં છૂટાછેડા થયાનાં ઘણાં દાખલા જોવા મળે છે. તો શું એ વ્યક્તિ વચ્ચે પ્રેમ નથી હોતો ? પ્રેમ તો હોય છે પણ પોતાની જીદને કારણે એકબીજાંને સમજી નથી શકતાં.ઘણાં લોકો પ્રેમ લગ્ન માટે પરિવાર અને સમાજને મનાવી તો લે છે પણ ઝઘડો થાય છે ત્યારે એકબીજાને મનાવી નથી શકતાં.
એક સુખી લગ્નજીવન માટે એકબીજાને સમજવું, એકબીજાનાં સ્વભાવને સહન કરવાં, પારદર્શકતા રાખવી, એકબીજાનું માન રાખવું, વાત કહેવામાં સંકોચ ન થવો, નાની નાની વાતો જતી કરવી આ બધું એટલું જ જરૂરી છે જેટલો કે પ્રેમ.પણ આ બાબતો પર બહું ઓછાં લોકો ધ્યાન આપતાં હોય છે.
લગ્ન પહેલાં તો બધું બરાબર ચાલતું હોય છે પણ લગ્ન પછી આપણે વ્યક્તિની ઈચ્છા,શોખ, સ્વતંત્રતા, તેના વિચારોને ઓછું ધ્યાન આપતા આપીએ છીએ.પરિણામે વ્યક્તિ સમાજનાં કે પરિવારના ડરથી એક છત નીચે રહે તો છે પણ અંદરની એ લાગણીઓ ઓછી થઈ જાય છે.
તો આજથી એકબીજાને સમજતાં શીખીએ. આઈ લવ યુ કહેવા કરતાં વ્યક્તિને સમજવું એ ઘણું વિશેષ હોય છે એ વ્યક્તિ માટે.
ધવલ પુજારા ‘શ્વેત’