કોરોના વાયરસની બેહદ સફળ રસી બનાવતી જર્મન કંપની બાયોએનટેકના સ્થાપક ઓલઝેમ ટુરેસીએ મોટું અને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હવે પછીનો ટાર્ગેટ કેન્સર છે. રીપોર્ટ અનુસાર ટુરેસીએ કહ્યું કે, અમારી પાસે mRNAની ટેકનિક પર આધારિત કેન્સરની કેટલીય રસી છે. અમને આશા છે કે, થોડા જ વર્ષોમાં કેન્સરની મારક રસી લોકો માટે તૈયાર થઈ જશે.
બાયોએનટેકની કોરોના રસી mRNA એક નવી ટેકનોલોજી પર આધારીત છે. બાયોએનટેક આ રસીનું ઉત્પાદન ફાઈઝર કંપની સાથે મળીને થઈ રહ્યું છે. તેથી આ રસીને ફાયઝરની રસી પણ કહે છે. ફાયઝર રસી દુનિયાના સૌથી વધારે રાષ્ટ્રમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. જે 95 ટકા સુધી સફળ પુરવાર થઈ છે. ટુરેસીએ પોતાના પતિ સાથે મળીને બાયોએનટેક નામની કંપની ઊભી કરી હતી. કોરોના વાયરસની મારક રસી તૈયાર કરતા પહેલા એવી દવા તૈયાર કરવા પર કામ ચાલું હતું જે બોડીની રોગપ્રતિકારક શક્તિને ટ્યુમર સામે લડવા માટે તૈયાર કરી શકે.આ દરમિયાન એક દિવસ તેમને ચીનમાં કોરોના વાયરસ ફેલાયો હોવાની જાણકારી મળી. તેણે નક્કી કર્યું કે, તેઓ પોતાની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી કોરોના વાયરસની મારક રસી તૈયાર કરશે. ટુરેસી આશરે બે દાયકાથી mRNA ટેકનિક પર કામ કરી રહી હતી. જેના પરિણામ રૂપે તેમણે ઓછા સમયમાં કોરોના વાયરસની મારક રસી તૈયાર કરી લીધી. અત્યાર સુધીમાં કરોડો લોકોને આ રસી આપી દેવામાં આવી છે. બ્રિટને સૌથી પહેલા ફાયઝર બાયોએનટેકની કોરોના રસીને મંજૂરી આપી હતી. પછી અમેરિકાએ પણ આ રસીને મંજૂરી આપી હતી.
ઓછા ગાળામાં કોરોના વાયરસની રસી બનાવવામાં સફળતા મળવાને કારણે બાયોએનટેક કંપનીની પ્રોફાઈલ એકાએક મોટી થઈ ગઈ છે. હવે તે પોતાના મૂળ લક્ષ્ય એટલે કે કેન્સરનો ઈલાજ શોધવામાં પણ વધુ પડતું ફંડ ખર્ચી શકે છે. કોરોના બાદ હવે એનો ટાર્ગેટ કેન્સર સામેની પ્રભાવી અને અસરકારક રસી તૈયાર કરવાનો છે. જેથી કેન્સરનો ઈલાજ સરળતાથી થઈ શકે. આપણા દેશમાં રસીકરણ અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું છે. એક દિવસમાં વધુને વધુ લોકોને રસી મળતી થાય એ રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવી રહ્યું છે. બીજી તરફ કોઈ રીતે સંક્રમણ ફેલાઈ નહીં એવા પગલાં લેવામાં આવી રહ્યા છે.
VR Niti Sejpal