ફૂટે છે દેશની જનતા,
હે કનૈયા ! તું મટકી ન ફોડ.
ચોરાય છે દેશનું ધન,
હે કનૈયા ! તું માખણ ન ચોર.
હણાય છે અબળાનું તન,
હે કનૈયા ! તું અધર્મને ન હણ.
પાખંડી છે આ સંસારના લોકો,
હે કનૈયા ! તું શામળ ન બન.
ગરીબી છે આ દેશનું વજન,
હે કનૈયા ! તું ગિરધર ન બન.
પરમાણુ બોમ્બનો છે અહીં ડર,
હે કનૈયા ! તું કુરુક્ષેત્ર ન બન.
ભાઈચારો ક્યાં જોવા મળે છે અહીં,
હે કનૈયા ! તું સુદામાનો મિત્ર ન બન,
લેવાય છે અહીં ગીતાની કસમો,
હે કનૈયા ! તું ભગવદ્દ ગીતા ન બન.
વૃદ્ધાશ્રમ જોવે છે માં ની રાહ,
હે કનૈયા ! તું યશોદાનો લાલ ન બન.
લખે છે “ગોહિલ”ની કલમ બસ એટલું જ,
હે કનૈયા ! તું ભક્તોનું ભાગ્ય ન લખ.
– દિલીપસિંહ ગોહિલ