ભારતીય મહિલા ક્રિકેટરો દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે લખનઉમાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં હારી ગઇ હતી. દક્ષિણ આફ્રિકાની ભારત વિરૂદ્ધ વિકેટોના હિસાબે આ સૌથી મોટી જીત હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમે પાંચ વન-ડેની સિરીઝ માટે 1-0ની લીડ હાંસલ કરી લીધી હતી. પરંતુ આજે રમાયેલી બીજે વન-ડે મેચમાં મહિલા ક્રિકેટ ટીમ પોતાની લયમાં આવી ગઇ હતી અને બીજી વન-ડે ઇન્ટરનેશનલ મેચમાં સાઉથ આફ્રિકાને નવ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રોણી 1-1થી સરભર કરી દીધી હતી.
અનુભવી પેસ બોલર ઝૂલન ગોસ્વામીની ઘાતક બોલિંગ બાદ સ્મૃતિ મંધાના અને પૂનમ રાઉતે બીજી વિકેટ માટે નોંધાવેલી સદીની ભાગીદારીની મદદથી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે બીજી વન-ડે ઇન્ટરનેશનલ મેચમાં સાઉથ આફ્રિકાને નવ વિકેટે હરાવીને 5 મેચની શ્રોણી 1-1થી સરભર કરી દીધી હતી.
ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ બનેલી ઝૂલને 42 રનમાં ચાર વિકેટ ઝડપતાં આફ્રિકન વિમેન્સ ટીમ 41 ઓવરમાં 157 રનના સ્કોરે સમેટાઇ ગઇ હતી.
આસાન લક્ષ્યાંક સામે મેદાને પડેલી ભારતીય ટીમે 22 રનના સ્કોરે ઓપનર જેમિમાહ રોડ્રિગુઝ (9)ની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મંધાના અને પૂનમે ટીમને વધુ કોઇ નુકસાન પહોંચાડયા વિના લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મંધાનાએ 64 બોલમાં અણનમ 80 તથા પૂનમે 89 બોલમાં અણનમ 62 રન નોંધાવવા ઉપરાંત બીજી વિકેટ માટે 138 રનની ભાગીદારી નોંધાવી હતી.
આ પહેલાં ભારતીય બોલર્સની શિસ્તબદ્ધ બોલિંગ સામે આફ્રિકન બેટ્સવુમન મુક્તમને સ્કોરિંગ શોટ્સ રમી શકી નહોતી. લારા ગુડોલે 77 બોલમાં સર્વાધિક 49 રન બનાવ્યા હતા. સુકાની સુન લુસે 57 બોલમાં 36 રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકન ટીમની માત્ર પાંચ ખેલાડી બેવડા આંકના સ્કોર સુધી પહોંચી શકી હતી.
VR Sunil Gohil