વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દાંડીયાત્રા દિને દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીનો શુભારંભ કરાવવા માટે અમદાવાદ આવી રહ્યા છે. તેઓ આશરે ત્રણ કલાક રોકાણ કરશે, જે દરમિયાન તેઓ સાબરમતી ગાંધીઆશ્રમની હૃદયકુંજની મુલાકાત લઈ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે. સાબરમતી આશ્રમમી બાજુમાં અભયઘાટ ખાતે વિશાળ ડોમ બનાવાયો છે, જ્યાં તેઓ ૪૫ મિનિટનું વકતવ્ય બાદ દાંડીકૂચની યાદમાં પ્રતિકાત્મક રીતે ૮૧ પદયાત્રીઓને દાંડી સુધી ૩૮૬ કિલોમીટરની યાત્રા માટે વિદાય કરશે. બાદમાં તેઓ બપોરે લગભગ પોણા એકથી એેક વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી પરત જવા રવાના થશે.
અભયઘાટ ખાતે વડા પ્રધાનની હાજરીમાં તેમના ઉદ્બોધન અગાઉ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ લગભગ અડધો કલાકના કાર્યક્રમની પ્રસ્તુતિ થશે, જેમાં દેશભરના ૨૦૦ જેટલા આર્ટિસ્ટો દ્વારા વિવિધ નૃત્યો કાર્યક્રમો રજૂ થશે, નોર્થ-ઇસ્ટના યુવાનો દ્વારા વંદેમાતરમ્ ધૂન ઉપર ઇવેન્ટ થશે, જાણીતા સિંગર જ્યુબિન નોટિયાલ દ્વારા તૈયાર થયેલું દેશભક્તિનું ગીત લોન્ચ થશે, વિશિષ્ટ પ્રકારનો ચરખો લોન્ચ થશે, જેમાં કુલ ૭૫ અઠવાડિયાની અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન દેશમાં કોઈ પણ ઠેકાણે દેશ હિતાર્થે થનારા કામ અંગે ટ્વિટની જાણકારી સાથે ચરખો એક રાઉન્ડ ફરશે અને એવી રીતે સમગ્ર ઉજવણી દરમિયાન ૭૫ કરોડ વાર ચરખો ફેરવવાનો લક્ષ્યાંક ઘડવામાં આવ્યો છે. તદ્ઉપરાંત અમૃત મહોત્સવ માટે એક અલાયદી વેબસાઇટનું પણ લોન્ચિંગ થશે.
વડા પ્રધાન મોદીના દરેક કાર્યક્રમ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગવર્નર દેવવ્રત આચાર્યની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમોમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય પ્રધાન પ્રહ્લાદસિંહ પટેલ પણ હાજર રહેવાના છે.
દાંડી જનારા ૮૧ પદયાત્રીઓમાં સમાજના વિવિધ વર્ગોના લોકો સામેલ થશે, જેઓ પહેલું રોકાણ કોચરબ આશ્રમ ખાતે કરશે, જ્યાં તેઓ બપોરનું ભોજન લઈ સાંજે પદયાત્રા પાછી શરૂ કરશે.
આવતીકાલે રાજ્યના દરેક જિલ્લાઓમાં પ્રતીકાત્મક રીતે સાંસ્કૃતિક રંગારંગ, સાઇકલ-બાઇક રેલીઓ, વૃક્ષારોપણ વગેરે કાર્યક્રમો યોજવાના છે, જેમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ રાજકોટમાં, સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા- બારડોલીમાં, કૃષિમંત્રી પોરબંદરમાં, વાહનવ્યવહાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, નવસારીના દાંડીમાં, રાજ્યમંત્રી વાસણ આહીર કચ્છના માંડવીમાં ઉપસ્થિત રહેશે.
VR Sunil Gohil