શાંતિ પમાડે તેને તો સંત કહીએ
એના દાસના તે દાસ થઈને રહીએ રે!
કલ્પવૃક્ષ સેવ્યે દારિદ્ર રહ્યું ઊભું
ત્યારે તેના તો ગુણ શીદ ગાઈએ રે?
રાજાની ચાકરી નિત્ય રહી ઊભી
ત્યારે પારકી તો વેઠ શીદ વહીએ રે?
વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ના ભણાવ્યું
ત્યારે પંડ્યાનો માર શીદ ખાઈએ રે?
લીધો વળાવો ને લૂંટવા રે લાગ્યો
ત્યારે તેની સંગાથે શીદ જઈએ રે?
વૈદ્યનો સંગ કરે રોગ રહ્યો ઊભો
ત્યારે વૈદ્યની તે ગોળી શીદ ખાઈએ રે?
કીધી બાંધણી ને માથું વઢાવે
ત્યારે તેને તે ઘેર શીદ જઈએ રે?
નામ અનામ સદ્ગુરૂએ બતાવ્યું
તે નામ ચોંટ્યું છે મારે હૈયે રે!
બાપુ તેની કાયા તો નરવો સ્નેહ છે
અમે એવા સ્વામીને લેઈને રહીએ રે!
~ . બાપુસાહેબ ગાયકવાડ
[feedzy-rss feeds=”https://igujju.com/2019/06/” feed_title=”yes” refresh=”12_hours” sort=”date_desc” meta=”yes” summary=”yes” ]